• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

અૉરેન્જ ગેટ-નરિમન પૉઈન્ટ સબ-વેની ટેન્ડર પ્રક્રિયાને મોળો પ્રતિસાદ  

ત્રીજી વાર થયો મુદતમાં વધારો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી) પ્રશાસને ઈસ્ટર્ન ફ્રી-વે, અૉરેન્જ ગેટ-નરિમન પૉઈન્ટ ટનલ પ્રોજેક્ટના નિર્માણ માટે ટેન્ડર મગાવ્યાં છે. ટેન્ડર પ્રક્રિયાને પ્રતિસાદ ન મળતાં આ ટેન્ડરની મુદતમાં ત્રીજી વાર 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયાની મુદતમાં વધારો કરવામાં આવતા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ રખડી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

એમએમઆરડીએ દ્વારા વર્ષ 2013માં 16.8 કિ.મી. લાંબો ઈસ્ટર્ન ફ્રી-વે બાંધવામાં આવ્યો હોવાથી ચેમ્બુરથી સીએસએમટીનું અંતર માત્ર 20થી 25 મિનિટમાં કાપી શકાય છે. જોકે, અૉરેન્જ ગેટ નજીક આવ્યા બાદ નરિમન પૉઈન્ટની દિશામાં જતાં વાહનોને ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એમએમઆરડીએએ ઈસ્ટર્ન ફ્રી-વે, અૉરેન્જ ગેટ-નરિમન પૉઈન્ટ વચ્ચે ટનલ બનાવવાનો નિર્ણય લીધો હતો, જેથી ચેમ્બુરથી નરિમન પૉઈન્ટ સુધી પ્રવાસ વેગવાન થઈ શકે. આ સાથે ચર્ચગેટ, કોલાબા અને નરિમન પૉઈન્ટ વિસ્તારોમાં થતા ટ્રાફિકજામની સમસ્યાનું સમાધાન થશે.

આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પના કામની શરૂઆત કરવા માટે એમએમઆરડીએ પ્રશાસને કેટલાક દિવસો પહેલાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી હતી. આ પ્રોજેક્ટને મોળો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી કામ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. આ પ્રક્રિયામાં ત્રીજી વાર મુદતમાં વધારો કરવામાં આવતા સાત જૂન સુધી કરવામાં આવી હોવાનું પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

હેડલાઇન્સ