• શનિવાર, 25 માર્ચ, 2023

મોબાઈલ ફોનની નિકાસ રૂા. 80,000 કરોડથી વધશે  

આઈફોનની નિકાસ 236 ટકા વધશે

મુંબઈ, તા. 17 : નાણાકીય વર્ષ 2022-23માં મોબાઈલ ફોનની નિકાસ રૂા. 75,000 કરોડ જેટલી થવાનો સરકારે અંદાજ મૂક્યો હતો, પરંતુ વર્તમાન નાણાકીય વર્ષમાં મોબાઈલ ફોનની નિકાસ સરકારના અંદાજ કરતાં વધારે થવાની અપેક્ષા છે. આ વર્ષે મોબાઈલ ફોનની નિકાસ રૂા. 80,000 કરોડ જેટલી થવાની ગણતરી છે. આ નિકાસ ગયા વર્ષ કરતાં 75 ટકા જેટલી વધારે હશે. એપ્રિલ, 2022થી ફેબ્રુઆરી, 2023 સુધીમાં મોબાઈલ ફોનની નિકાસ રૂા. 78,375 કરોડની થઈ છે, જે વાર્ષિક નિકાસના અંદાજ કરતાં વધારે છે.

આ વર્ષે આઈફોનની નિકાસ રૂા. 37,000 કરોડ કરતાં વધારે થવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતાં 236 ટકા વધારે હશે. ભારતમાં એપલના આઈફોનનું ઉત્પાદન ત્રણ કંપનીઓ ફોકસકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન કરે છે. આ કંપનીઓનું ઉત્પાદન આ વર્ષે રૂા. 47,000 કરોડ કરતાં વધારે થવાનો અંદાજ છે. એપલ ઉપરાંત ભારતમાંથી સેમસંગના મોબાઈલ ફોનની મોટા પાયે નિકાસ થાય છે.

એપ્રિલ-અૉગસ્ટ, 2022 દરમિયાન પાંચ મહિનામાં એપલના આઈફોનની નિકાસ એક અબજ ડૉલરના લેવલે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ સપ્ટેમ્બરથી નવેમ્બર, 2022 દરમિયાન દર મહિને નિકાસ સરેરાશ 0.50 અબજ ડૉલર જેટલી થઈ હતી. ત્યાર બાદ ડિસેમ્બર, 2022માં નિકાસ એક અબજ ડૉલરના લેવલે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ નિકાસ એક અબજ ડૉલર જેટલી રહી છે.