આઈઆઈટી બૉમ્બેની મદદથી
મુંબઈ, તા. 17 : સમયની થપાટ સહન કરી ચૂકેલા બાબુલનાથ મંદિરના શિવલિંગનો કાયાપલટ કરવા માટે રાજકીય શુભેચ્છકો આગળ આવ્યા છે. તમામ રાજકીય પક્ષોના રાજકારણીઓએ આ બાબતમાં રસ દાખવ્યો છે.
મંદિરના સત્તાવાળાઓએ આ શિવલિંગને થતાં નુકસાનને અટકાવવા માટે પગલાં સૂચવવા આઈઆઈટી બૉમ્બેનો સંપર્ક સાધ્યો છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભક્તોને જળાભિષેક કરવાની છૂટ આપવાની મંદિરના સત્તાવાળાઓને ભાજપના સાંસદ મંગલ પ્રભાત લોઢાએ વિનંતી કર્યા બાદ હવે કૉંગ્રેસ શિવલિંગનો પૂર્વ-પુન:સ્થાપનાની માગણી કરવા આગળ આવી છે.
13 માર્ચના મુંબઈ કૉંગ્રેસ પ્રમુખ ભાઈ જગતાપે બાબુલનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટીઓને શિવલિંગની પુન:સ્થાપના માટે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. તેમના સાથી અજિત સિંહે (મુંબઈ કૉંગ્રેસના ઇન્વેસ્ટર અને કન્ઝુમર પ્રોટેકશન સેલના ચૅરમૅન) આ શિવલિંગને `બચાવી' લેવા મુખ્ય પ્રધાન શિંદે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે જો શિવલિંગને તત્કાળ પુન:સ્થાપિત નહીં કરાય તો તે `ખંડિત' થઈ જશે. `મંદિરના ટ્રસ્ટીઓ દબાણ હેઠળ આવી ગયા હોય એવું અનુભવી રહ્યા છે અને તેમણે જણાવ્યું હતું કે આ કાર્ય (રેસ્ટોરેશન) માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા તેમણે આઈઆઈટી બૉમ્બેને જણાવી દીધું છે અને તે 31 માર્ચ સુધી તૈયાર થઈ જશે.
બાબુલનાથ મંદિરના ચૅરમૅન નીતિન ઠક્કરે જણાવ્યું હતું કે `અમે સ્પષ્ટપણે જણાવીએ છીએ કે શિવલિંગને નુકસાન થયું નથી કે તે ખંડિત થયું નથી. જો તેમ હોત તો પૂજારીઓ કેવી રીતે પૂજા-અર્ચના કરતા હોત? અને અમે શ્રદ્ધાળુઓ કોઈ અભિષેક ન કરે તે માટેનાં પગલાં લઈ રહ્યાં છીએ, અમે ઇચ્છીએ છીએ કે આ બાબતે રાજકારણ ન થવું જોઈએ.'