• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી, સપ્ટેમ્બરમાં મેઘરાજાનો ઇંતેજાર

મુંબઈ, તા. 28 : છેલ્લાં એક મહિનાથી વરસાદે વિરામ લેતા ખરીફ પાકની ખેતી કરનારા ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન ખાતાએ જણાવ્યાનુસાર દેશભરમાં જૂન મહિનામાં દેશમાં સરેરાશ કરતાં આઠ ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો હતો અને જુલાઈ મહિનામાં જરૂર કરતાં વધુ વરસાદ પડવાને કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. 

અૉગસ્ટ મહિનામાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઇશાન્ય રાજ્યોમાં વધુ વરસાદની નોંધ થઈ હતી ત્યારે તેનાથી વિપરિત પરિસ્થિતિ દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં સર્જાઈ છે. આ રાજ્યોમાં સરેરાશ કરતાં 50 ટકા જેટલો ઓછો વરસાદ પડયો છે. મહારાષ્ટ્રમાં અૉગસ્ટ મહિનામાં સરેરાશ કરતાં 56 ટકા ઓછો વરસાદ નોંધાયો હોવાથી મરાઠવાડા અને પશ્ચિમ વિદર્ભના ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર આગામી આઠથી 10 દિવસ સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ રહેશે, તેમ જ સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા ખેડૂતોને છે.