• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

મૂક પક્ષીને મદદ કરવા ટોલ ફ્રી નંબર પર ફોન કરવાનું ગુજરાતીને ભારે પડયું  

બૅન્કમાંથી એક લાખ રૂપિયા ગાયબ થઈ ગયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મૂક પક્ષીને મદદ કરવાનું મુંબઈની એક વ્યક્તિને ભારે પડયું હતું. સંબંધિત વ્યક્તિની અૉફિસની બહાર એક પક્ષી જખમી હાલતમાં દેખાયું હતું. તેને મદદ કરવાના પ્રયાસમાં બૅન્કના ખાતામાંથી રૂા. એક લાખ ગાયબ થઈ ગયા હતા. 

ધ્વની મહેતા (30) મહાલક્ષ્મી ખાતેના ફેમસ સ્ટુડિયોમાં મૅનેજર તરીકે કામ કરે છે. 17મી મેના રોજ તેને અૉફિસની બહાર એક પક્ષી જખમી હાલતમાં દેખાયું હતું. પક્ષીને મદદ કરવા માટે સંસ્થાની શોધ તેઓ કરી રહ્યા હતા. તે માટે તેણે ગૂગલ પર સર્ચ કર્યું અને તેને એક ટોલ ફ્રી નંબર મળ્યો હતો. તે નંબર પર ફોન કરીને માહિતી મેળવી હતી. ફોનમાં સામેવાળી વ્યક્તિએ તેને અમુક માહિતીઓ માગી હતી અને એક લિંક મોકલાવી હતી. 

એક મિનિટની અંદર તેને અન્ય વ્યક્તિનો ફોન આવ્યો હતો. તે વ્યક્તિએ તેને લિંક પર ક્લિક કરવાનું કહ્યું હતું. ક્લિક કર્યા બાદ લિંક પરથી નવું પેજ ઓપન થયું અને તેમાં દરેક માહિતીઓ ભરવાનું કહેવામાં આવ્યું તથા નોંધણી તરીકે એક રૂપિયો ભરવાનું કહ્યું હતું. 

મહેતાને ફોન પર તે વ્યક્તિએ વધુ એક પેજ ઓપન કરવાનું કહ્યું અને ગૂગલપે પર પૈસા મોકલવાનું કહ્યું. મહેતાએ યુપીઆઈ પિન નાખીને પૈસા મોકલ્યા. એટલામાં તેને પેઝઍપની નોંધણી શરૂ થઈ હોવાનો મેસેજ આવ્યો. તેની સાથે પક્ષી સંરક્ષણ ટીમ તરફથી પણ મેસેજ આવ્યો. 

થોડીવાર બાદ ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે પક્ષીને બચાવવા માટે એક ટીમ રવાના કરાઈ છે, પરંતુ એક કલાક પછી પણ કોઈ આવ્યું નહીં. ત્યારબાદ મહેતાને તેના ખાતામાંથી રૂા. 99,988 ડેબિટ થયા હોવાનો મેસેજ આવ્યો. બીજા દિવસે મહેતાએ પોલીસ એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ