• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

મુંબઈમાં બાપ્પાના વૈવિધ્યસભર સ્વરૂપનું ધામધૂમથી આગમન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : વખતે મુંબઈમાં બાપ્પાનું ઢોલ તાશાના તાલે ધામધૂમથી આગમન થયું છે ત્યારે સમગ્ર શહેરમાં બાપ્પાના અસંખ્યા રૂપો જોવા મળી રહ્યા છે. અંધેરીમાં મોટરસાઈકલ પર સવાર બાલ ગણેશથી લઈને ગિરગાંવના ખેતવાડીની 11મી ગલ્લીમાં 45 ફૂટ લાંબા બાપ્પાનો ઈન્દ્ર અવતાર. મળતી માહિતી મુજબ શહેરમાં ગણપતિ બાપ્પાની 2.1 લાખ રચનાત્મક, અલૌકિક અને સુંદર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. 19થી 28 સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશોત્સવના અકર્ષણનું કેન્દ્ર લાલબાગ-પરેલનો પટ્ટો છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને 350 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે જગપ્રસિદ્ધ લાલબાગચા રાજાના દરબારમાં રાયગઢ કિલ્લાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જે મુંબઈગરાના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. શિવાજી મહારાજના રાજ્યાભિષેકે હિન્દવી સ્વરાજની સ્થાપનાને ચિન્હિત કર્યું, જે આજ સુધી મહારાષ્ટ્ર અને દેશને પ્રેરણા પૂરી પાડે છે, એવું મંડળના પ્રમુખે જણાવ્યું હતું. ગણેશ ગલ્લી મંડળે પણ થીમનું વિસ્તૃત મોડેલ બનાવ્યું છે.

ચિંચપોકલીચા ચિંતામણીનું આગમન મહારાષ્ટ્રમાં સૌથી મોટું માનવામાં આવે છે. તેમના આગમન સમયે દોઢ લાખ ભાવિકો ઉમટી પડયાં હતાં.