મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્રને સૌથી વધુ મહેસૂલ પ્રાપ્ત કરી આપવામાં બીજા ક્રમાંકે રહેલા સ્ટેમ્પ ડયૂટી ઍન્ડ રજિસ્ટ્રેશન વિભાગના કાર્યાલયમાં સુવિધાઓનો અભાવ છે. બાંધકામ વ્યવસાયિકોની `ક્રેડાઈ-એમસીએચઆઈ' સંસ્થા મુંબઈ મહાનગર પ્રદેશની અૉફિસોમાં સગવડ-સુવિધાઓ ઉપલબ્ધ કરી આપે છે. સંગઠને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાર સુધીમાં પાંચ કાર્યાલયોમાં નૂતનીકરણ કરી આપ્યું છે. રાજ્યમાં સબ-રજિસ્ટ્રારના 510 કાર્યાલય છે. વર્ષે દહાડે 30 લાખ કરતાં વધુ દસ્તાવેજોની અહીં નોંધણી થાય છે. સંગઠને અત્યાર સુધીમાં ચેમ્બુર, પ્રભાદેવી, થાણે, માગાથાણે, બોરીવલી અને ભિવંડી એ પાંચ કાર્યાલયોમાં સુવિધા ઉપલબ્ધ કરી છે. આ સંદર્ભે ક્રેડાઈના અધ્યક્ષ અને મૅનેજિંગ ડિરેક્ટર બોમન ઇરાનીએ જણાવ્યું કે મુંબઈ મહાનગર ક્ષેત્રના તમામ સબ-રજિસ્ટ્રાટ કાર્યાલયોમાં તબક્કાવાર રીતે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
સ્ટેમ્પ ડયૂટી ઍન્ડ રજિસ્ટ્રેશન વિભાગે ગયા વર્ષે રૂા. 32,000 કરોડનું મહેસૂલ મેળવી આપ્યું હતું. વિભાગના સંચાલન અને વહીવટ માટે વાર્ષિક ફક્ત રૂા. 210 કરોડ જેટલું ભંડોળ ઉપલબ્ધ હોય છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા સમય માગી લેતી પ્રક્રિયા છે. રજિસ્ટ્રેશન માટે આવેલા લોકોને ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક બેસવું પડે છે. રજિસ્ટ્રેશન કાર્યાલયોના સુશોભીકરણનો પ્રકલ્પ 2018માં પૂર્ણ પણ થયો છે. તે છતાં સુવિધા અપૂરતી પડતી હોવાનું આ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.