અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : `મ્હાડા'ના ઘર ખાનગી ડેવલપરની સરખામણીમાં સસ્તા હોય તો પણ આવક ગ્રુપની મર્યાદા અને ઘરની કિંમતમાં મોટો તફાવત છે. એનો ફટકો `મ્હાડા'ના મુંબઈ મંડળની 14મી અૉગસ્ટે કાઢવામાં આવેલી લૉટરીના વિજેતાઓને પડયો હોવાનું જોવા મળ્યું છે. 4082 ઘટની લૉટરીમાં 398 વિજેતાઓએ `મ્હાડા'ને ઘર પાછા સોંપ્યા (સરેન્ડર) છે. એમાં અત્યલ્પ ગ્રુપના 224 તો ઉચ્ચ ગ્રુપના 50 ટકાથી વધુ એટલે કે 64 ઘર વિજેતાઓએ નકાર્યા છે. ઘરની કિંમત પહોંચની બહાર હોવાથી હોમ લોન મળતી નહીં હોવાનું કારણ દર્શાવીને અનેક જણે ઘર પાછા સોંપ્યાની ચર્ચા છે. લૉટરી માટે 1.22 લાખ જણે અરજી કરી હતી. એમાંથી 4078 વિજેતા જાહેર થયા હતા. લૉટરી બાદ `મ્હાડા'એ બે દિવસમાં જ વિજેતાઓને સ્વીકૃતિપત્ર મોકલાવ્યા હતા. તેમાંથી 398 વિજેતાઓએ ઘર પાછા સોંપ્યા હોવાનું `મ્હાડા'ના અધિકારીઓએ જણાવ્યું છે.
ઘણાને લૉટરીમાં એક કરતાં વધુ ઘર પણ મળ્યા છે. તે છતાં ઘર નકારનારાની સંખ્યા મોટી છે. 169 વિજેતાઓને બે ઘર, 23 વિજેતાઓને ત્રણ ઘર, બે વિજેતાઓને ચાર ઘર તો બે વિજેતાઓને પાંચ ઘર મળ્યા હતા. આ સંખ્યા કુલ 206 જેટલી છે, બાકીના 192 ઘર પાછા સોંપવામાં આવ્યા છે. લોન મળે તો પણ તે પાછી ચૂકવવાનું અથવા સમાન માસિક હપ્તા ભરવાનું મુશ્કેલ બને છે.
શેર કરો -