• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

કાંદિવલીની બહુમાળી ઇમારતમાં આગ : બે જણનાં મૃત્યુ ત્રણને ઇજા  

મુંબઈ, તા. 23 : કાંદિવલીસ્થિત નવ માળની ઇમારત વીણા સંતૂરના પહેલા માળે ભીષણ આગ લાગતાં બે જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં અને ત્રણ જણને ઇજા થઇ છે. મૃતકોમાં એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. આગનો ધુમાડો ઉપરના માળ સુધી ફેલાતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા માડી હતી. આ ઘટનાની જાણકારી મળતાં જ અગ્નિશમન દળના છ વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અગ્નિશમન દળના અધિકારી અનુસાર બપોરે 12.15 વાગ્યે સાંઇબાબા નગરમાં આવેલી નવ માળની વીણા સંતૂર ઇમારતના પહેલા માળે આવેલા ફલેટમાં આગ લાગી હતી. આ માળના વીજળીના તારના વાયરિંગને કારણે આગ આખી ઇમારતમાં ફેલાઇ હતી. મૃતકોની ઓળખ ગ્લોરી વાલફટી (43) અને જોસુ જેમ્સ રોબર્ટ (આઠ) તરીકે થઇ છે જ્યારે આ દુર્ઘટનામાં લક્ષ્મી બુરા (40), રાજેશ્વરી ભરતરે (24) અને રંજન સુબોધ શાહ (76)ને ઇજા થઇ છે. સુરક્ષાના પગલારૂપે ઇમારતનો વીજ પુરવઠો બંધ કરાયો છે. આ આગ ઉપર કાબૂ મેળવીને હાલ કૂલિંગનું કામ ચાલી રહ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.