• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

સીએમએઆઈના 76મા નેશનલ ગાર્મેન્ટ ફૅરનું આયોજન

 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન મુંબઈમાં યોજાશે

મુંબઈ, તા. 23 : ધી ક્લાધિંગ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (સીએમએઆઈ)ના ઉપક્રમે 76મો નેશનલ ગાર્મેન્ટ ફૅર તા. 30 જાન્યુઆરીથી તા. 1 ફેબ્રુઆરી દરમિયાન મુંબઈ-ગોરેગામના નેસ્કો સંકુલમાં યોજાશે. ત્રણ દિવસના આ બીટુબી ગાર્મેન્ટ ફેરનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના ઉદ્યોગ અને ટેક્સટાઈલ મંત્રાલયના પ્રધાન ચંદ્રકાંતદાદા પાટીલ તા. 30 જાન્યુઆરીએ સવારે કરશે. 

આ ગાર્મેન્ટ ફૅરમાં 950 સ્ટોલ હશે, જ્યાં 1000થી વધુ બ્રાન્ડો પ્રદર્શિત થશે. આમ સ્થાનિક ગાર્મેન્ટ ઉદ્યોગના ઇતિહાસમાં આ સૌથી મોટો સમર ગાર્મેન્ટ ફૅર બની રહેશે. 

સીએમએઆઈના પ્રમુખ રાજેશ મસંદે જણાવ્યું હતું કે ભારતના ગાર્મેન્ટ ઉદ્યોગમાં અગાઉ મહારાષ્ટ્રનું ગૌરવવંતું સ્થાન હતું જે હવે રહ્યું નથી. આથી મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ગાર્મેન્ટ ઉદ્યોગ પુન: ધમધમતો કરવા કટિબદ્ધ છે. સીએમએઆઈએ પણ વિકાસનાં ઘણાં સૂચનો મહારાષ્ટ્ર સરકારને આપ્યાં છે. હવે ચંદ્રકાંતદાદા પાટીલ ગાર્મેન્ટ ફેરમાં પધારશે ત્યારે ઉદ્યોગના અગ્રણીઓ જોડે ઉદ્યોગની સમસ્યાઓ અને સૂચનોની ચર્ચાવિચારણા કરશે. મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્રમાં ઉત્પાદન માળખાને મજબૂત કરવા માગે છે. 

સીએમએઆઈની ફૅર કમિટીના ચૅરમૅન રોહિત મુંજાલે જણાવ્યું હતું કે સૂચિત ગાર્મેન્ટ ફૅરથી સ્થાનિક ગાર્મેન્ટ ક્ષેત્રને વધુ ટૉનિક મળી રહેશે. કોરોના કાળની થપાટ બાદ 2022માં ગાર્મેન્ટ ઉદ્યોગનું વેચાણ કોરોના પૂર્વેની સપાટીથી વધી ગયું હતું, પણ નવેમ્બર 2022થી પાછી સુસ્તી આવી છે. જોકે મોટા ભાગની બ્રાન્ડ્સ અને ઉત્પાદક કંપનીઓએ 2022-23માં 16 ટકા આસપાસનો વિકાસ દર્શાવ્યો છે.