• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ખાંડની નિકાસ અને ઈથેનોલનું વેચાણ વધવાથી ખાંડ મિલોની આવક વધી

મુંબઈ, તા. 23 : રાષ્ટ્રીય સ્તરે ખાંડ મિલોએ ખેડૂતોની શેરડીની ખરીદીની બાકી રકમ સંપૂર્ણપણે ચૂકવી દીધી છે. ખાંડની નિકાસ તેમ જ ઈથેનોલના વેચાણમાં વધારો થવાથી ખાંડ મિલોની આવક વધી છે. 

કૃષિ મંત્રાલયના રિપોર્ટ મુજબ વર્ષ 2020-21 માટે ખેડૂતોને જે રકમ ચૂકવવાની બાકી હતી. એમાંથી માત્ર 0.10 ટકા અને વર્ષ 2021-22ની સિમેન્ટની રકમમાંથી માત્ર બે ટકા જેટલી જ રકમ હવે ચૂકવવાની બાકી છે. આમ વર્ષ 2020-21 માટે 99.90 ટકા રકમ અને વર્ષ 2021-22 માટે 98 ટકા રકમ ખાંડ મિલોએ ખેડૂતોને ચૂકવી દીધી છે. કૃષિ મંત્રાલયના રિપોર્ટ મુજબ છેલ્લાં નવ વર્ષમાં ઈથેનોલના ભાવમાં 10 ગણો વધારો અને છેલ્લાં છ વર્ષમાં ખાંડની નિકાસમાં 20 ગણા કરતાં વધુ વધારો થયો છે. એને કારણે હવે ખાંડ મિલો સ્વનિર્ભર બની ગઈ છે. પરિણામે ખાંડ મિલો ખેડૂતોને શેરડીની ખરીદીના નાણાં ઝડપથી ચૂકવી દે છે.

અગાઉ ભૂતકાળમાં સ્થિતિ ખરાબ હતી. થોડા વર્ષ અગાઉ ખાંડ મિલોએ ખેડૂતોને મોટા પાયે નાણાં ચૂકવવાના બાકી હતા. ખાંડ મિલોની નાણાકીય સ્થિતિ સારી ન હતી. મોટા ભાગના રાજ્યોમાં ખાંડ મિલો ખેડૂતોને સમયસર નાણાં ચૂકવવાની સ્થિતિમાં ન હતી.

બે લાખ કરોડ કરતાં વધુની ચૂકવણી કરી

કૃષિ મંત્રાલયના રિપોર્ટ મુજબ ખાંડ મિલોએ બે વર્ષમાં ખેડૂતોને રૂા. બે લાખ કરોડ કરતાં વધુની રકમ ચૂકવી દીધી છે. વર્ષ 2020-21ની સિઝન માટે ખાંડ મિલોએ ખેડૂતોને રૂા. 93,075 કરોડ ચૂકવવાના હતા એની સામે રૂા. 92,987 કરોડ ચૂકવી દીધા છે. હવે માત્ર રૂા. 88 કરોડ જ ચૂકવવાના બાકી છે, જ્યારે વર્ષ 2021-22ની સિઝન માટે ખેડૂતોને રૂા. 1.16 લાખ કરોડ ચૂકવી દીધા છે. હવે માત્ર રૂા. 2310 કરોડની ચૂકવણી બાકી છે. સરકારે જે વિવિધ પગલાં લીધા છે એને કારણે સ્થિતિમાં સુધારો થયો છે. વધારાની ખાંડમાંથી ઈથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત ખાંડની નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં સુગર મિલોએ ઈથેનોલનું વેચાણ અૉઈલ માર્કેટિંગ કંપનીઓને કરીને રૂા. 77,000 કરોડની વધારાની આવક પ્રાપ્ત કરી છે.