• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

સેફ ડિપોઝિટ લૉકરના એગ્રીમેન્ટ રિન્યૂ કરવાની સમયમર્યાદા રિઝર્વ બૅન્કે લંબાવી

હવે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં એગ્રીમેન્ટ કરી શકાશે

મુંબઈ, તા. 23 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ સેફ ડિપોઝિટ લોકરના એગ્રિમેન્ટ રિવ્યૂ કરવાની સમયમર્યાદા તબક્કાવાર રીતે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવી છે. આ સમયમર્યાદા 30 જૂન, 2023 સુધી 50 ટકા ઈન્ટરમિડિયેટ માઈલસ્ટોન અને 30 સપ્ટેમ્બર, 2023 સુધી 75 ટકા ઈન્ટરમિડિયેટ માઈલસ્ટોન સાથે લંબાવવામાં આવી છે. કુલ સમયમર્યાદા તબક્કાવાર રીતે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવી છે. આરબીઆઈએ બૅન્કોને જણાવ્યું છે કે ગ્રાહકોને સ્ટેમ્પ પેપર્સ વગેરે ઉપલબ્ધ થઈ શકે એનું ધ્યાન રાખે.

લોકર અનફ્રોઝન કરાશે

લોકર એગ્રિમેન્ટ રિન્યૂ કરવાની મુદત અગાઉ 31 ડિસેમ્બર, 2022ની હતી, જે ગ્રાહકોએ એગ્રિમેન્ટ રિન્યૂ નહોતા કર્યા. એમના લોકર્સ કેટલીક બૅન્કોએ ફ્રોઝન કર્યા હતા. રિઝર્વ બૅન્કે બૅન્કોને નિર્દેશ આપ્યા છે કે જે લોકર્સના કામકાજ ફ્રોઝન કરાયા હોય એને તાત્કાલિક ડિફ્રોઝન કરી દેવા.

રિઝર્વ બૅન્કની જાણમાં આવ્યું હતું કે હજી સુધી મોટા ભાગના ગ્રાહકોએ એગ્રિમેન્ટ રિન્યૂ નથી કર્યા. અગાઉ સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ બૅન્ક, યુનિયન બૅન્કના કેટલાક ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર લોકર રિન્યુઅલની પ્રોસેસ બાબતે કમ્પલેઈન્સ કરી હતી. ગ્રાહકોએ જણાવ્યું હતું કે બૅન્કોએ એમને આ બાબતે સમયસર જાણ કરી ન હતી.

ગ્રાહકોની એવી પણ ફરિયાદ હતી કે બજારમાં સ્ટેમ્પ પેપર્સ ઉપલબ્ધ નથી. સ્ટેમ્પ પેપરની અછત છે. રિઝર્વ બૅન્કે બૅન્કોને સ્ટેમ્પ પેપરની ઉપલબ્ધિ સરળ બનાવવા માટે પણ જણાવ્યું છે.