• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ઈડીના અધિકારીના નામે વેપારીને રૂા. બે કરોડનો ચૂનો લગાડયો  

ફિલ્મ `સ્પેશિયલ 26'ની સ્ટાઈલમાં ઝવેરીબજારમાં લૂંટ 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : અક્ષયકુમારની `સ્પેશિયલ 26' ફિલ્મ તો યાદ હશે જ. બનાવટી ઇન્કમટૅક્સ અૉફિસર બનીને અક્ષયકુમારની ટીમ માલેતૂજારોને લૂંટતી હતી. આ ફિલ્મ પણ એક સત્ય ઘટના પર જ આધારિત હતી. ફરીથી આવી જ એક લૂંટ ઝવેરીબજારમાં થઈ છે. ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈડીના અધિકારી હોવાનો દાવો કરીને આ ટોળકીએ ઝવેરીબજારના એક વેપારીને કરોડોનો ચૂનો લગાડયો છે. 

આ બોગસ અધિકારીઓએ દુકાનમાંથી રૂા. પચીસ લાખની રોકડ રકમ તેમ જ ત્રણ કિલો સોનું જપ્ત ર્ક્યું છે. બજારભાવ મુજબ આ સોનાની કિંમત રૂા. 1.70 કરોડ છે. દુકાન લૂંટીને આરોપીઓ ભરબપોરે છૂ થઈ ગયા હતા. આ પ્રકરણે પોલીસે 24 કલાકની અંદર એક મહિલા સહિત ત્રણ જણની ધરપકડ કરી છે.

આ ઘટના બાદ ઝવેરીબજારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસોએ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની તપાસ આદરી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 23મી જાન્યુઆરીએઁ આ ટોળકી વેપારીની અૉફિસમાં ઘૂસી હતી. પહેલાં તેમણે તમામ કર્મચારીઓના મોબાઈલ ફોન લઈ લીધા હતા. એક કર્મચારીને તેમણે હાથકડી પણ પહેરાવી હોવાની માહિતી મળી છે. ખાસ તો એ કે ગઈકાલે બીઆઈએસ (ધ બ્યૂરો અૉફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ)ના અધિકારીઓએ સંપૂર્ણ મહારાષ્ટ્રમાં રેડ પાડી હતી. ઝવેરીબજારમાં પણ રેડ પાડી હતી. હૉલમાર્કના દાગીના તપાસવા માટે આ ધાડ પાડવામાં આવી હતી. એ દરમિયાન બોગસ ઍન્ફોર્સમેન્ટ અધિકારીઓની આ ટોળકી પણ કળા કરી ગઈ હતી અને ઝવેરીબજારના વેપારીના રૂા. પચીસ લાખ રોકડા તથા 2.75 કિલો સોનું લઈ છૂ થઈ ગઈ હતી.