મુંબઈ, તા. 24 : વર્ષ 2022 નોકરીયાતો માટે ખરાબ રહ્યું હતું. ખાસ કરીને આઈટી સેક્ટર અને સ્ટાર્ટઅપ કંપનીઓએ અસંખ્ય કર્મચારીઓને છૂટા કર્યા હતા.
વર્ષ 2023નો પ્રારંભ પણ નકારાત્મક વલણથી થયો છે. નવા વર્ષના પ્રથમ ત્રણ સપ્તાહમાં ભારતમાં 21 સ્ટાર્ટઅપ્સે 2135 કર્મચારીઓને છૂટા કર્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં વધારે છે. વર્ષ 2022માં આ સમયગાળામાં 1060 જેટલા કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી.
પ્રાપ્ત થતી વિગત મુજબ વર્ષ 2023ના પ્રથમ ત્રણ સપ્તાહમાં મેડીબડીએ 200, સ્વીગીએ 380, શેરચાટએ 600, ઓલાએ 200, મોગલિક્સએ 200, ડુન્ઝોએ 90 જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે. વર્ષ 2022માં 20,000 કરતાં વધુ કર્મચારીઓને છૂટા કરાયા હતા વર્ષ 2022માં ભારતમાં 60 જેટલા સ્ટાર્ટઅપ્સે 20,500 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા હતા. આ સ્ટાર્ટઅપ કંપનીઓએ ફન્ડિંગની સમસ્યા તેમ જ બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગનું કારણ આપીને કર્મચારીઓને છૂટા કર્યા હતા.
વર્ષ 2022માં શેરચાટએ 600 કર્મચારીઓ, અનએકેડેમીએ 1190, વેદાન્તુએ 1100, બાયજુ ગ્રુપે 4000, ઓલાએ 2100, બ્લિન્કિટએ 1600 અને લિંડોએ 1200 જેટલા કર્મચારીઓને છૂટા કર્યા હતા.