• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

પુણેની ભીમા નદીમાં સાત દિવસમાં એક પરિવારનાં સાત જણનાં મૃતદેહ મળ્યા  

આત્મહત્યા, અકસ્માત કે હત્યા અંગે પોલીસ તપાસ શરૂ

મુંબઈ, તા. 24 : પુણેના દૌંડ તાલુકાના પારગાંવ વિસ્તારમાં સાત મૃતદેહ મળી આવ્યા છે. આ સાતે મૃતદેહ છેલ્લા સાત દિવસમાં ભીમા નદીમાંથી મળી આવ્યા છે. 18થી બાવીસમી જાન્યુઆરી દરમિયાન મળી આવેલા આ સાતે મૃતદેહ 38થી 45 વર્ષની વયની વ્યક્તિઓનાં છે. ઉપરાંત મૃતકો એક જ પરિવારનાં હોવાનું અનુમાન છે. 

એનડીઆરએફની એક ટીમે ગઈકાલે મોડી રાત સુધી તપાસ ચાલુ રાખી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ કેટલાક સ્થાનિક માછીમારો 18મી જાન્યુઆરીએ ભીમા નદીમાં માછલી પકડવા ગયા હતા. ત્યારે એમને એક મહિલાનો મૃતદેહ દેખાયો હતો. એ પછી શુક્રવારે એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ 21મી અને બાવીસમી જાન્યુઆરીએ પણ એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસ હવે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ પ્રકરણ આત્મહત્યાનું છે કે અકસ્માતનું, કે પછી કોઈએ હત્યા કરીને લાશ પાણીમાં નાખી દીધી છે. મૃતદેહ પતિ-પત્નીની જોડીના હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. પોલીસ નદીના તટમાં સઘન તપાસ આદરી છે. મૃતકોમાં બાળકો પણ હોવાની પોલીસને શંકા છે.