• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ફડણવીસના આક્ષેપ સંબંધે સંજય પાંડે મોં ખોલશે?  

સુરેન્દ્ર મોદી તરફથી 

મુંબઈ, તા. 24 : મહાવિકાસ આઘાડી સરકારના કામમાં મને જેલમાં નાખવાનો કારસો હતો એવો ગંભીર આરોપ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યા પછી રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. ફડણવીસે જણાવ્યું છે કે મહાવિકાસ આઘાડી સરકારે કોઈ પણ રીતે મને જેલમાં નાખવા માટે મુંબઈના તત્કાલીન કમિશનર સંજય પાંડેને `સુપારી' આપી હતી, પણ મેં કંઈ ખોટું નહીં કર્યું હોવાથી મને જેલમાં નાખવાના કોઈ પણ પ્રયાસ સફળ થયા ન હતા.

ફડણવીસના આક્ષેપ પછી તત્કાલીન ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે આવો કોઈ કારસો હોવાનો ઈન્કાર કર્યો છે અને ફડણવીસે પણ આ કારસા માટે વળસે પાટીલનું નામ ન લીધાનું જણાવ્યું હતું અને ઉપરથી હુકમ આવ્યાનું જણાવ્યું હતું.

હવે ઉપરથી હુકમ એટલે કોનો? આ પ્રશ્ન રાજકીય વર્તુળમાં પુછાઈ રહ્યો છે. શિવસેનાના નેતા અનિલ પરબ અને સંજય રાઉતે આ આક્ષેપમાં કોઈ તથ્ય નહીં હોવાનું જણાવ્યું હતું. જેને લઈ આ આક્ષેપના કેન્દ્રમાં જે છે તે સંજય પાંડે શું કહે છે તે જાણવા અનેક પત્રકારોએ તેમને ફોન કર્યો, પણ તેઓ નોટ રિચેબલ હોવાનું જાણવા મળે છે.

સુમાહિતગાર વર્તુળમાંથી જાણવા મળતી માહિતી મુજબ ફડણવીસના આક્ષેપનો ઈનકાર કરવો કે સમર્થન કરવું તેનો કોઈ નિર્ણય પાંડે લઈ શકતા ન હોવાથી તેનો અર્થ મોનમ્ સંમતિ સૂચકમ્ માનવામાં આવી રહ્યું છે. જોકે, સંજય પાંડે આ અંગે શું ખુલાસો કરે છે તેના પર ફડણવીસના આક્ષેપની તીવ્રતાનો ખ્યાલ આવશે એવું રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.