• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

મહારાષ્ટ્રના નેતાઓની દિલ્હીમાં અમિત શાહ સાથે બેઠક  

રાજ્યપાલ કોશિયારીનું સંભવિત રાજીનામું, પ્રધાનમંડળના વિસ્તરણ અંગે ચર્ચા 

મુંબઈ, તા. 24 : નવી દિલ્હી નોર્થ બ્લોકસ્થિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાર્યાલયમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના મહારાષ્ટ્રના નેતાઓ એકત્ર થયા છે. કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે બોલાવેલી સહકાર ક્ષેત્ર સંબંધી બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મહેસુલ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ, કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે, રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડે એકસાથે જોડાયાં છે. સહકાર ક્ષેત્ર સાથે અન્ય તમામ ચર્ચાઓ પણ થશે એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું. અન્ય ચર્ચામાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના રાજીનામા અને પ્રધાનમંડળના વિસ્તરણ જેવા મહત્વના વિષય ઉપર ચર્ચા થવાની શકયતા છે.

આજે નવી દિલ્હીમાં મહારાષ્ટ્રના ભાજપ નેતાઔની મેરેથોન બેઠકો યોજાઇ હતી. કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેના ઘરે પહેલી બેઠક થયા બાદ ગૃહપ્રધાન અમિત શાહના કાર્યાલયમાં બેઠક યોજાઇ હતી. રાજ્યમાંના સહકારી સાકર કારખાનાની સ્થિતિ, સહકારી કારખાનાના નવા ધોરણ અંગે ચર્ચા બેઠકમાં થઇ હતી. સહકારના નવા ધોરણ લાવવા કેન્દ્ર સરકારે પ્રયાસ શરૂ કર્યા છે. તે બાબતે ચર્ચાઓ થઇ હતી. આ બેઠકમાં શાહ, શિંદે, ફડણવીસ ઉપરાંત ભાજપના સહકાર ક્ષેત્રના નેતા રણજીતસિંહ મોહિતે પાટીલ, ધનંજય મહાડિક, હર્ષવર્ધન પાટીલ, રાવસાહેબ દાનવે, પંકજા મુંડેએ હાજરી આપી હતી.  

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્ર અને સાકર ઉદ્યોગોમાં સુધારો કરવાની જરૂર છે તે બાબતે ચર્ચા થવાની છે. સહકાર ક્ષેત્ર માટેની બેઠકમાં અન્ય બાબતો ઉપર પણ ચર્ચા થશે. રાજ્યપાલની ઇચ્છા ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય અંતિમ રહેશે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ બેઠકમાં પ્રધાનમંડળના વિસ્તરણ અંગે ચર્ચા થશે. હાલ એક જ પ્રધાન પાસે અનેક ખાતાઓની જવાબદારી છે, અનેક જિલ્લાના પાલકપ્રધાનની જવાબદારી છે. તેમ જ સત્ર દરમિયાન વિધાનસભા અને વિધાનપરિષદમાં જવાબ આપવા એક જ પ્રધાને દોડવું પડે છે તેથી વહેલી તકે પ્રધાનમંડળનું વિસ્તરણ થાય એવી બંને પક્ષની ઇચ્છા છે.