• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ધારાવી પ્રકલ્પ અંગે ટીડીઆરનો વિવાદ કમનસીબ : ડીઆરપીપીએલ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 19 : ધારાવીના પુનર્વિકાસ પ્રકલ્પમાંથી સર્જાનારી ટીડીઆર અંગે અમુક લોકો દ્વારા વિવાદ ઊભો કરવાના પ્રયાસની અદાણી જૂથની કંપની - ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિમિટેડે ટીકા કરતાં જણાવ્યું છે કે, ધારાવીવાસીઓના બહેતર ભવિષ્ય માટેનાં સપનાંને રગદોળી નાખવાની ગણતરીથી આ હિલચાલ આદરવામાં આવી છે.

ડીઆરપીપીએલ દ્વારા અખબારી નિવેદન દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેટલાંક સ્વાર્થી તત્ત્વો દ્વારા ઈરાદાપૂર્વક ઈશારાથી આ કરવામાં આવી રહ્યું છે. ધારાવી નોટિફાઈડ એરિયાની અંદર ટીડીઆર બનાવવાની મંજૂરી વર્ષ 2018ના સરકારી ઠરાવ દ્વારા આપવામાં આવી હતી. તેને વર્ષ 2022ના જીઆરમાં વધુ સંશોધન કરવામાં આવ્યું હતું. આ બન્ને બાબત 2022નાં ટેન્ડર બહાર પાડતાં પહેલાં થઈ હતી, જે ટેન્ડર ખુલ્લી અને ન્યાયી સ્પર્ધા વચ્ચે જીત્યું હતું. વર્તમાનમાં સરકાર જે કંઈ કરી રહી છે તે ડયુ પ્રોસેસને નોટીફાઈ કરી રહી છે.

હકીકતમાં 2018ની ટેન્ડરિંગ પ્રક્રિયાની શરૂઆત પહેલા જારી કરાયેલા જીઆરમાં સમગ્ર મુંબઈમાં ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાંથી જનરેટ થયેલા ટીડીઆર વેચાણની જોગવાઈ હતી. સપ્ટેમ્બર, 2022માં રજૂ કરાયેલા જીઆર અને ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા બે અગત્યના ફેરફારો કરાયા હતા. મહત્ત્વની વાત એ છે કે આ ફેરફારો તમામ બીડરો માટે ડયુ ડિજિલન્સ માટે ઉપલબ્ધ હતા. આ નીતિ ફેરફારોથી એક જ એન્ટિટીને ફાયદો થશે તેવા દાવાથી વિપરીત સરકારની અંતિમ સૂચનાએ અન્ય પ્રોજેક્ટસમાં ટીડીઆરનો લઘુતમ ઉપયોગ 50 ટકાને બદલે 40 ટકા પર મર્યાદિત કર્યો છે, જેનો સપ્ટેમ્બર, 2022 જીઆરમાં ઉલ્લેખ છે.

ગત સાતમી નવેમ્બરના સરકારી નોટિફિકેશનમાં પણ ટીડીઆરની કિંમત પર મર્યાદા મૂકવામાં આવી છે. ડીએનએમાંથી જનરેટ થતા ટીડીઆરની વેચાણ કિંમત પર અગાઉ કોઈ પ્રતિબંધ ન હોવા છતાં સરકારે હવે ટીડીઆરની કોઈ પણ મનસ્વી કિંમતોને ટાળવા માટે ટીડીઆરની મહત્તમ વેચાણ કિંમત પ્લોટ મેળવવાના રેડી રેકનર રેટના 90 ટકા સુધી મર્યાદિત કરી છે. ટીડીઆર પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે મુંબઈ પાલિકા પોર્ટલ વિકસાવશે જ્યાં પ્રોજેક્ટમાંથી જનરેટ થયેલ ટીડીઆર રીઅલ-ટાઈમમાં અપલોડ અને અપડેટ કરવામાં આવશે.

આ પાયાવિહોણા દ્વેષપૂર્ણ આરોપો અને પસંદ કરેલા બીડર્સને અનુરૂપ સુધારાઓ પ્રક્રિયાની રેગ્યુલેટરી પારદર્શિતા સાથે અન્યાય છે. કોઈ પણ પ્રકારનો પક્ષપાતનો આરોપ લગાવવો એ સ્થિતિ બગાડવા માટે અને પરિવર્તનશીલ શહેરી મૅનેજમેન્ટના અમારા ધ્યેયને બેધ્યાન કરવાની ખોટી કોશિશ છે, એમ નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું.