• શનિવાર, 20 એપ્રિલ, 2024

કેજરીવાલના મરણિયા પ્રયાસ

દિલ્હીના મુખ્ય પ્રધાન અને `આપ'ના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધા પછી રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારને મળ્યા. વિપક્ષોની એકતા આ પાછળનો ઉદ્દેશ્ય હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને શાસકીય અધિકાર આપવાનો જે ચુકાદો આપ્યો હતો તે ચુકાદાનો છેહ આપતો જે વટહુકમ કેન્દ્ર સરકારે બહાર પાડયો તેના વિરુદ્ધ સમર્થન મેળવવું એ પણ મુખ્ય હેતુ હતો. 

લોકસભામાં સંખ્યાબળના આધારે આ વટહુકમ સંદર્ભના ખરડાને મંજૂરી મળશે, પણ રાજ્યસભામાં સત્તાધારી પક્ષ પાસે પૂરતું સંખ્યાબળ નહીં હોવાથી રાજ્યસભામાં આ ખરડાને લઈ સરકારનો પરાજય થશે એવી અટકળ કરી આ વટહુકમ વિરુદ્ધ વિપક્ષોનો ટેકો મેળવવા માટે `આપ'ના બે નેતા મુલાકાતો કરી રહ્યા છે. આ વટહુકમને લઈ રાજ્યસભામાં સરકારનો પરાજય થાય તો 2024ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરી સત્તા પર નહીં આવી શકે એવી કેજરીવાલને ખાતરી જણાય છે. વાસ્તવમાં કેજરીવાલની લડાઈ દિલ્હીની સત્તા માટે છે. તેમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જેવા નેતાઓ શું કરશે તે અંગે ભારે ઉત્કંઠા જગાવી છે! ઠાકરે-પવાર પક્ષની સાથે કૉંગ્રેસની મહારાષ્ટ્રમાં આઘાડી છે અને કેજરીવાલના સમર્થનના મુદ્દા પર કૉંગ્રેસના કેટલાક નેતાઓનો પહેલેથી જ વિરોધ છે.

કેજરીવાલે હવે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત માટે સમય માગ્યો છે. એ જોવાનું રસપ્રદ રહેશે કે, પક્ષ મોવડીમંડળ આના પર શું નિર્ણય લે છે. કૉંગ્રેસ સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરી રાજનીતિમાં આવેલા કેજરીવાલે દેશના સૌથી જૂના પક્ષ માટે ધર્મસંકટની સ્થિતિ ઊભી કરી છે. 

`આપ'ને સમર્થનના મુદ્દે કૉંગ્રેસમાં મતભેદ છે. પંજાબ, ગુજરાતથી લઈ ગોવા સુધીના નેતાઓ એક એવા પક્ષને સમર્થન આપવાનો વિરોધ કરી રહ્યા છે જે પક્ષના નેતાએ તેઓને ખૂબ નુકસાન પહોંચાડયું છે. દિલ્હી અને પંજાબમાં `આપ'એ કૉંગ્રેસની સત્તા છીનવી લીધી તો ગુજરાત અને ગોવામાં તેના વોટ શૅયરથી હિસ્સો વહેંચી લીધો હતો. વિરોધ કરનારાઓમાં વરિષ્ઠ નેતા અજય માકન મોખરે છે. તેઓ એમ કહે છે કે, અરવિંદ કેજરીવાલે ભૂતપૂર્વ  વડા પ્રધાન રાજીવ ગાંધીથી ભારતરત્ન પાછો લેવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આવા નેતાને કેવી રીતે સમર્થન આપી શકાય.

અહીં ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે અખબારમાં `ભ્રષ્ટાચાર મુક્ત પંજાબ' એવી આખા પાનાની જાહેરખબર આપી છે. જાગૃત જનતા તેના પર કેવી રીતે વિશ્વાસ મૂકશે? તેમના જ પક્ષનો એક નેતા, માજી નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા શરાબ કૌભાંડમાં જેલમાં છે. તેમનો બીજો એક પ્રધાન પણ ભ્રષ્ટાચાર પ્રકરણમાં જેલમાં છે. મોદીને સત્તાથી દૂર કરવા વિરોધીઓએ આટાપાટા શરૂ કર્યા છે અને તેમાં કેજરીવાલના ધમપછાડા પણ સ્પષ્ટ દેખાય છે. 2014થી અત્યાર સુધી સત્તા પક્ષમાં રહેલા મોદીને સત્તાથી દૂર કરવા માટે જ આ મરણિયા પ્રયાસ ચાલુ છે.