• શનિવાર, 25 માર્ચ, 2023

સરહદ પાર ભારતીય ફિલ્મોનો ડંકો  

લોસ એન્જલસમાં આયોજિત 95મો અૉસ્કાર એવૉર્ડ્સ સમારંભ ભારત માટે ઐતિહાસિક હતો. દર વખતે અૉસ્કારથી વંચિત રહેતા ભારતને એક નહીં, પણ બે-બે અૉસ્કાર મળ્યા છે. એસ. એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના સોન્ગ `નાટુ નાટુ'એ બેસ્ટ અૉરિજિનલ સોન્ગ કૅટેગરીનો અૉસ્કાર એવૉર્ડ મેળવીને તેમ જ કાર્તિકી ગોન્સાલ્વિસ નિર્દેશિત ડૉક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ `ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'એ પણ અૉસ્કાર મેળવીને ઇતિહાસ રચ્યો છે. 

કરોડો ફિલ્મરસિકોનાં દિલમાં એક રંજ હતો કે દુનિયામાં સૌથી વધુ ફિલ્મો બનાવનારા ભારતની કોઈ ફિલ્મના નસીબે હજી સુધી અૉસ્કારની કોઈ ટ્રૉફી કેમ નથી. સિનેમા પ્રતિભાઓનાં પ્રકરણમાં ભારત કોઈનાથી પાછળ નથી, એ અૉસ્કાર સમારંભમાં અનેક વેળા સાબિત થઈ ચૂક્યું છે. કૉસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયાએ 1983માં `ગાંધી' માટે અને ત્યારપછી સંગીતકાર એ. આર. રહેમાન, ગીતકાર ગુલઝાર, સાઉન્ડ રેકૉર્ડિસ્ટ રેસુલ પુકુટ્ટીએ `સ્લમડૉગ મિલિયોનેર' માટે અૉસ્કાર જીત્યો હતો. આ બંને બ્રિટિશ ફિલ્મો હતી. રંજ એ પણ હતો કે ભારતીય પરિવેશવાળી આ બંને ફિલ્મો જેવું સિનેમા-સૃજન ભારતમાં કેમ નથી થતું. `નાટુ નાટુ'ની જીતે આ રંજ કંઈક અંશે ઓછો કરી દીધો છે. 

નોંધનીય બાબત એ છે કે અૉસ્કાર માટે ભારતનો સૂર્યોદય દક્ષિણથી થયો. જે દેશના વિશાળ હિન્દી પટ્ટા માટે ફિલ્મો બનાવનારી મુંબઈયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ આ સૂર્યોદયથી જાગરણ થઈ જાય તો ભારત ક્રોસઓવર સિનેમાને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. વસુધૈવ કુટુમ્બકમનો મંત્ર આપનાર દેશમાં આવી ફિલ્મોના સિલસિલાએ વેગ પકડવો જોઈએ, જે સરહદો ઓળંગીને દુનિયાભરના લોકો સાથે ઓળખ વધારે. ચીલાચાલુ જેવી પટકથા પર મસાલેદાર ફિલ્મોથી વિશ્વસ્તરે કંઈ નોંધપાત્ર નથી થઈ શકયું.  એસ. એસ. રાજામૌલીની `આરઆરઆર'એ માર્ગ દાખવી આપ્યો છે કે ભારતીય પરિવેશ અને પટકથાવાળી ફિલ્મ ન ફક્ત વિદેશમાં ટંકશાળ પાડી શકે છે, અૉસ્કાર પણ જીતી શકે છે. `નાટુ નાટુ'ની જીતે દુનિયાને ભારતના સંગીતની શક્તિ પણ દાખવી આપી છે.

ભૂતકાળથી લગાવ રાખનારાઓને ફરિયાદ હોઈ શકે છે કે ભારતીય ફિલ્મોમાં આનાથી પણ અનેક સારાં ગીતોનું સર્જન થઈ ચૂક્યું છે. ભૂમંડલીકરણના દોરમાં કલાઓને આ દૃષ્ટિકોણથી જોવાની આવશ્યક્તા છે. દુનિયાની રુચિઓની નસ પારખવાની આવશ્યક્તા છે, જે રાજામૌલી અને સંગીતકાર એમ. એમ. કિરવાનીએ પારખી છે. ફિલ્મો સમગ્ર દેશ અને સભ્યતાનું પ્રતિબિંબ હોઈ શકે છે. આ પાછળના કલાકારોએ સિનેમાના પ્રાદુર્ભાવથી જ ઓળખી લીધું છે કે સમયનો તકાજો છે કે ભારતીય ફિલ્મકાર પણ આ દિશામાં આગળ વધે. ફિલ્મોમાં સંમોહન અને શક્તિ પેદા કરવા પર મંથન થવું જોઈએ, જે દેશમાં સિનેમાને પાંચમો વેદ કહેવામાં આવતો હોય, ત્યાં આવું મંથન મુશ્કેલ નથી અને નામુમકિન પણ નથી. આમ તો એકેડેમિક પુરસ્કારોમાં ભારતીય સિનેમા પાસે અત્યાર સુધી આંગળીનાં વેઢે ગણાય એટલી જ સિદ્ધિઓ છે. અૉસ્કાર જીતનારી બે ફિલ્મોની સફળતા વૈશ્વિક સિનેમામાં ભારતીય સિનેમામાં વધતી સ્વીકારોક્તિ જ દર્શાવી રહી છે, જેનાથી આવનારા સમયમાં આપણને ભારતીય ફિલ્મોમાં એક નવો પ્રયોગ જોવા મળી શકે છે.