`નૂતન ગુજરાત, નૂતન કૉંગ્રેસ'ના નવા સૂત્ર સાથે સાબરમતીના તીરે કૉંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન થયું. જે કંઈ વક્તવ્યો થયાં, પત્રકાર પરિષદો થઈ તેના ઉપરથી મળતા સંકેત એવા છે કે, કૉંગ્રેસમાં નવસંચાર થવાની સંભાવના જણાય છે. 64 વર્ષના લાંબા અંતરાલ બાદ કૉંગ્રેસના અધિવેશનનું યજમાન ગુજરાત બન્યું. ફક્ત કૉંગ્રેસના જ નહીં પણ દેશના ઘડતરમાં જેમનું અવિસ્મરણીય યોગદાન છે તે ગાંધીજી અને સરદાર સાહેબનું સ્મરણ કૉંગ્રેસે આ અધિવેશનમાં નોંધપાત્ર રીતે કર્યું તેના ઉપરથી કહી શકાય કે પાકી તૈયારી અને રણનીતિ બન્ને આ વખતે શીર્ષસ્થ નેતૃત્વ પાસે હતા. હવેનો સવાલ એ છે કે કૉંગ્રેસનું આ સૂત્ર જનતા માટેનો નારો બનશે ખરો? એટલે કે અધિવેશનની વાતો, નિર્ણયો, અભિપ્રાયો ગુજરાત અને દેશની જનતાના ગળે કૉંગ્રેસ ઉતારી શકશે?
30 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર કૉંગ્રેસના
પ્રથમ પંક્તિના નેતાઓ બે દિવસ ગુજરાતમાં રહ્યા. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ
સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મરણ માત્ર ન કરતા કૉંગ્રેસ અને દેશ માટે તેમનું કેટલું મહત્ત્વ
છે એ પણ જણાવ્યું. આ ડહાપણ કૉંગ્રેસને વહેલું આવવું જોઈતું હતું.
રાષ્ટ્રીય અધ્યક્ષે બીજા દિવસે કહ્યું
કે `જેમને કૉંગ્રેસમાં કામ કરવું ન હોય તે લોકો નિવૃત્તિ લઈ લો.' આ મિજાજ નજીકના ભૂતકાળમાં
કોઈએ બતાવ્યો નથી. થોડા દિવસો પૂર્વે ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે
`કેટલાક કૉંગ્રેસીઓને અમે કાઢી મૂકશું.' ખડગેનું આ વિધાન પણ અત્યંત અગત્યનું છે તો
ગૌરવ ગોગોઈએ તો સીધો જ પક્ષનો એજન્ડા જાહેર કરી દીધો અને કહ્યું કે અમારું લક્ષ્ય
2027ની વિધાનસભાની ચૂંટણી જીતવાનું છે. આ વાત કૉંગ્રેસની વર્તમાન સ્થિતિ જોતાં સ્વપ્નવત્
લાગે. પણ કૉંગ્રેસે ગુજરાતમાં જીતનું સપનું જોયું એ પણ કાર્યકર્તાઓ માટે સંતોષની વાત
છે.
2027ની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી
યોજાવાની છે, અંતમાં ગુજરાતમાં છે. આ અધિવેશન દ્વારા ચૂંટણીની તૈયારીના સંકેત કૉંગ્રેસ
નેતૃત્વે આપ્યા છે. અધિવેશનોના ઇતિહાસમાં પહેલીવાર કૉંગ્રેસે પ્રસ્તાવ પસાર કર્યો જેમાં
પેપર લીક, કર્મચારીઓનું શોષણ, વિવિધ દુર્ઘટનાઓ સહિતના સામાન્ય પ્રજાને સ્પર્શતા મુદ્દા
આવરી લેવાયા છે. કૉંગ્રેસ હવે ઉમેદવાર પસંદગીમાં જિલ્લા કક્ષાએ જઈ નિર્ણય લેશે, માળખું
રચશે એવો નિર્ણય પણ લેવાયો છે. આ રણનીતિ કૉંગ્રેસને મદદ કરી શકે, કેમ કે જિલ્લા-ગ્રામ્ય
કક્ષાના કાર્યકર્તાઓનો લોકસંપર્ક વધારે સઘન હોય છે. રાહુલ ગાંધીએ ઓબીસી વર્ગનો ઉલ્લેખ
પોતાના પ્રવચનમાં કર્યો. આલોક મિશ્રા અને સચિન પાયલટ જેવા નેતાઓએ પણ ભાજપના ગઢમાં જ
ભાજપને હરાવશું તેવો પડકાર ફેંકયો, ટેરિફ જેવા સાંપ્રત મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા.
આ અધિવેશનના વક્તવ્યો, વિધાનોથી એવું ચોક્કસ
લાગે કે કૉંગ્રેસમાં જાગૃતિનો સંચાર થયો છે. કૉંગ્રેસ પુન: કૃતસંકલ્પ થઈ છે અને ગુજરાતમાં
જ અધિવેશન બોલાવીને નેતાઓએ સંદેશો પણ આપ્યો
છે કે અમે વડા પ્રધાન અને ગૃહપ્રધાનના ગઢમાં પણ જઈને બોલી શકીએ છીએ. કૉંગ્રેસ માટે
સૌથી મોટો પડકાર એ છે કે પોતાની આ વાત ગુજરાત અને દેશના અન્ય કાર્યકર્તાઓ સુધી લઈ જઈ
શકે. રામમંદિરના લોકાર્પણમાં ગેરહાજરી, વકફ બોર્ડ કે `સીએએ' જેવા મુદ્દે કૉંગ્રેસનું
વલણ, કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા સામે કૉંગ્રેસનો વિરોધ એવા અનેક મુદ્દા છે જે જનતાની
વર્તમાન માનસિકતાથી વિપરીત છે. બૃહદ વર્ગ અત્યારે હિન્દુત્વ સહિતના મુદ્દે જે વિચાર
કરે છે તે સ્થિતિમાં કૉંગ્રેસ પોતાની વાત જનતા સુધી લઈ જઈ શકશે કે નહીં? ગુજરાતમાં
રાષ્ટ્રીય અધિવેશન બોલાવીને, પ્રસ્તાવ પસાર કરી કૉંગ્રેસે અન્ય વિપક્ષોને પણ પોતાની
મજબૂતીનો પરચો આપવાનો પ્રયાસ કર્યો છે. પણ જ્યાં સુધી મતદાર, પ્રજા સ્વીકાર ન કરે ત્યાં
સુધી કોઈપણ પ્રસ્તાવ કે પ્રવચન સાર્થક ન થાય. રાજકારણમાં કૉંગ્રેસ પોતે જેને સત્ય માને
તે વાત અલગ છે પરંતુ તે સત્તા સુધી લઈ જશે? આના જવાબ માટે 2027 સુધી પ્રતીક્ષા કરવી
પડશે.