ત્રિભાષી શિક્ષણમાં હિન્દી ભાષાનો વિરોધ કરીને ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અને શરદ પવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને `મહાત' કર્યા પછી `િવજય ઉત્સવ'ની તૈયારી થઈ રહી છે પણ પડદા પાછળ ત્રણ રાજકીય પક્ષોનાં સંગઠન-મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં મતભેદ સપાટી ઉપર આવી રહ્યા છે. હિન્દી ભાષાના વિરોધ પાછળ મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં `મરાઠી શક્તિ' સાબિત કરવાનો વ્યૂહ હતો પણ હવે આઘાડીથી કૉંગ્રેસ પક્ષ અલગ-અળગો થઈ રહ્યો છે. મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં અલગ રહીને લડશે. કૉંગ્રેસને ચિંતા છે કે હિન્દી ભાષાનો વિરોધ કરીને મુંબઈમાં થોડી વધુ બેઠકો મળી શકે પણ ઉત્તર ભારતમાં એકડો નીકળી જશે! મુંબઈ તો `હાથ'માં આવે કે નહીં પણ મુંબઈ લેવા જતાં ભારતમાં રહી સહી બેઠકો પણ જશે એવી ચર્ચા થઈ રહી છે.
મુંબઈમાં હિન્દી વિરોધી અભિયાન શરૂ થયા
પછી નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. મહારાષ્ટ્રનો હવાલો
સંભાળતાં રમેશ ચેનીથલાએ બોલાવેલી બેઠકમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ નાના પટોલે, મુકુલ વાસનિક,
રજની પાટીલ વગેરે હાજર રહ્યા હતા અને ચર્ચા દરમિયાન એવો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત થયો
હતો કે હિન્દી ભાષા વિરોધ આપણા હિતમાં નથી અને તેથી મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં વિકાસ
આઘાડી સાથે રહેવાથી નુકસાન થશે.
વર્ષ 2007માં સુધરાઈની ચૂંટણી થઈ ત્યારે
કૉંગ્રેસે 75 બેઠકો જીતી હતી તે પછી સતત ઘટતી રહી અને 2017માં માત્ર 31 બેઠકો મળી હતી.
હવે સંજોગો સુધરવાને બદલે બગડયા હોવાનું મનાય છે. રાજ્યના કૉંગ્રેસ નેતાઓ જાણે છે કે
સુધરાઈની ચૂંટણીમાં ઠાકરે બંધુઓ વધુમાં વધુ બેઠકોનો ભાગ પડાવશે અને કૉંગ્રેસના ભાગે
વધેલી ઘટેલી બેઠકો આવશે. આખરે `બાવાના બેય બગડે' તેવી હાલત થશે. મુંબઈમાં જિતાશે નહીં
અને ભારતમાં હારવાનો વારો આવશે.
આમ છતાં સુધરાઈની ચૂંટણીમાં આઘાડી સાથે
રહેવું કે નહીં તેનો નિર્ણય હાઈ કમાન્ડ ઉપર છોડવામાં આવ્યો છે. હિન્દી વિરોધ અભિયાનથી
થોડા દૂર રહીને કૉંગ્રેસે અંતર જાળવ્યું હતું. હવે વિજય દિવસના ઉત્સવમાં પણ નહીં જોડાય
એમ લાગે છે. તેથી પાંચમી પછી જ હાઈ કમાન્ડ નિર્ણય કરશે પણ દહીં દૂધમાં પગ રાખીને સમતોલન
કેવી રીતે જાળવશે તેના ઉપર સૌની નજર છે.
દરમિયાન મુખ્ય પ્રધાનને - પીછેહઠની ફરજ
પડી તેનો યશ કોને મળે? વાસ્તવમાં રાજ ઠાકરે વધુ આક્રમક છે અને એ મુદ્દો સૌથી પહેલાં
એમણે જ ઉઠાવ્યો હતો. ચૂંટણી સભામાં પણ તેઓ વધુ આક્રમક હોય છે તેથી મુંબઈ સુધરાઈ ચૂંટણી
વખતે ઉદ્ધવ ઠાકરે એમને કેટલી બેઠકો ફાળવે છે તે જોવાનું છે. બાળાસાહેબ ઠાકરેના રાજકીય
વંશ-વારસ બાબત મતભેદ થયા અને રાજ ઠાકરેએ છૂટા થઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી
છે. હવે શિવસેનાનું નવનિર્માણ થશે, એકતા થશે એવી આશા કાર્યકરો સેવે છે.
રાજકીય નેતાઓના વિરોધ અને વિખવાદનો ભોગ
વિદ્યાર્થીઓ બની રહ્યા છે. અભ્યાસક્રમમાં વિક્ષેપ પડવાની ચિંતા વડીલોને પણ છે.