રવિવારની મધ્યરાત્રિએ ભારતીય મહિલા ક્રિકેટનો સૂર્ય મધ્યાહ્ને તપ્યો. 2005 અને 2017ની મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં પરાજયના ગ્રહણનો ભોગ બનેલી ભારતીય મહિલા ટીમે આ વખતે ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં ટ્રૉફી પર પોતાનું નામ અંકિત કરી દીધું છે. પી. ટી. ઉષા, સાનિયા મિર્ઝા, સાઈના નહેવાલ અને પી. વી. સિંધુ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરનારી મહિલા રમતવીરોની યાદીમાં હરમન ઍન્ડ કંપનીનું નામ પણ જોડાઈ ગયું છે. 1983માં કપિલ દેવની ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની એ પછી જેમ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલાઈ ગયો, તેમ મહિલા વનડે વિશ્વ કપમાં મળેલો આ વિજય વુમન્સ સ્પૉર્ટ્સમાં નવા અધ્યાયનો આરંભ કરશે એમાં શંકા નથી.
1983ની વિશ્વ કપ ફાઈનલમાં સુકાની કપિલ દેવે ઊંધા પગલે દોડી પકડેલો કૅચ વિજયની
ક્ષણ તરીકે ક્રિકેટ રસિયાઓની સ્મૃતિમાં અંકિત થઈ ગયો છે, એમ નવી મુંબઈના ડી. વાય. પાટીલ
સ્ટેડિયમમાં ત્રીસ હજાર દર્શકો સામે એ જ રીતે કૅપ્ટન હરમનપ્રીત કૌરે ઝીલેલો કૅચ અને
જીત ઉપરાંત પણ કેટલીક બાબતો બની જે આ બે વિશ્વ કપ વિજયોમાં કૉમન હતી. હજી ગયા અઠવાડિયા
સુધી ઘરેલુ ટી-20 સ્પર્ધામાં રમી રહેલી શેફાલી વર્માને છેલ્લી બે નૉકઆઉટ મૅચ માટે બોલાવવામાં
આવી અને સિલેક્ટર્સ તથા ટીમ મૅનેજમેન્ટનો વિશ્વાસ ખોઈ ચૂકેલી આ અૉપનરે બંને હાથે અથવા
બાટિંગ-બાલિંગ બંનેથી આ તકને ઝડપી લીધી. પહેલા તો કારકિર્દીનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કૉર
78 બૉલમાં 87 રન કરી ટીમને મજબૂત શરૂઆત આપી. એ પછી બાલિંગમાં કરિયર બેસ્ટ પરફૉર્મન્સ
આપી બે મહત્ત્વની વિકેટ ખેરવી. અહીં નિયમિત અૉપનર પ્રતિકા રાવલને યાદ કરવી પણ આવશ્યક
છે. બાંગ્લાદેશ સામેની છેલ્લી લીગ મૅચમાં ઇજાગ્રસ્ત થઈ એ પહેલાં છ દાવમાં 51.33ની સરેરાશથી
308 રન કર્યા હતા. પ્રતિકાને ઇજા ન થઈ હોય તો શેફાલી સેમિ-ફાઈનલમાં ટીમમાં ન આવી હોત
અને પ્રતિકા જે રીતે લીગ મૅચોમાં રમી એ રીતે ન રમી હોત તો ભારત સેમિ-ફાઈનલ સુધી ન પહોંચ્યું
હોત.
ફાઈનલમાં ભારત 298 રન સુધી પહોંચ્યું અને પછી જીત્યું એમાં અૉલરાઉન્ડર દીપ્તિ
શર્માના 58 રન અને પાંચ વિકેટોનું યોગદાન મોટું છે. ટુર્નામેન્ટમાં બાવીસ વિકેટો ખેરવી
સર્વોચ્ચ વિકેટટેકર બનનાર દીપ્તિએ આ પહેલાં 2017ના વિશ્વ કપની ફાઈનલમાં 49મી અૉવરના
પહેલા દડે ખરાબ શૉટ રમતા ભારત માત્ર ચાર રનથી મૅચ હાર્યું હતું. તો 2022માં દક્ષિણ
આફ્રિકા સામે નાખેલા નૉ-બૉલને કારણે ભારત સેમિ-ફાઈનલમાં સ્થાન પામી શક્યું નહોતું.
હવે, એ જ વિરોધી ટીમ સામે અૉલરાઉન્ડ પરફૉર્મન્સ દ્વારા વિજયની શિલ્પકાર અને પ્લૅયર
અૉફ ધ ટુર્નામેન્ટ બની હતી. તો, વિકેટકીપર રિચા ઘોષ અને લૅફ્ટ આર્મ સ્પિનર શ્રી ચરણીએ
પણ પોતાના કૌશલ્યથી ટીમને મહત્ત્વની ક્ષણોમાં આધાર-આકાર આપ્યો હતો. ફાઈનલમાં વિરોધી
ટીમની સુકાની લૌરા વુલ્વાર્ડ એકલા હાથે ટીમને જીતાડી જશે, એવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે
દીપ્તિ શર્માની બાલિંગમાં અમનજોત કૌરે પકડેલો કૅચ ટર્નિંગ પૉઈન્ટ સાબિત થયો. એ પહેલાં
લૌરાની અૉપાનિંગ પાર્ટનર તઝમિન બ્રિટ્સને રન આઉટ કરવામાં અમનજોતનો ફાળો હતો. પહેલી
જ લીગ મૅચમાં શ્રીલંકા સામે ભારતની છ વિકેટો 124 રનમાં ખરી પડી ત્યારે અમનજોતે દીપ્તિ
સાથે 103 રનની ભાગીદારી કરી સન્માનજનક સ્કૉર સુધી ટીમને પહોંચાડી હતી. જેમિમા રૉડ્રિગ્સે
સેમિ-ફાઈનલમાં કરેલી કમાલ તો કેમ ભૂલી શકાય? સામે અૉસ્ટ્રેલિયા જેવી ટીમ હોય, 339 રનનો
વિક્રમી ટાર્ગેટ હોય એવામાં બીજી જ અૉવરમાં બાટિંગમાં આવી અણનમ 127 રન કરી ટીમને જીત
સુધી લઈ ગઈ. કેટલીક મૅચોમાં તો જેમિમાને ટીમમાંથી ડ્રૉપ કરાઈ હતી, સતત રડતી રહેતી આ
યુવતી માનસિક હતાશાથી પીડાઈ રહી હતી, છતાં ટીમને ફાઈનલ સુધી દોરી ગઈ. સુકાની હરમનપ્રીત
કૌરના નેતૃત્વ અને માનસિક દૃઢતાના વખાણ કરીએ એટલા ઓછા છે. ઉપ-સુકાની અને અૉપનર સ્મૃતિ
મંધાનાએ સ્પર્ધામાં 434 રન કર્યા અને દર વખતે ટીમને જોરદાર શરૂઆત અપાવી. વર્ષ 2025માં
વનડેમાં એક હજાર રન પૂરા કરનાર પ્રથમ મહિલા તથા વિવિધ ફૉર્મેટમાં 17 સદીની સિદ્ધિ સાથે
વર્લ્ડ ચૅમ્પિયન પણ બની છે.
ડૉમેસ્ટિક ક્રિકેટમાં બે દાયકા રમી 11,167 રન ખડકવા છતાં ટીમ ઇન્ડિયામાં ક્યારેય
સ્થાન પામી ન શકેલો અમોલ મુઝુમદાર પણ સચીન તેંડુલકર અને વિનોદ કાંબળીની જેમ કૉચ રમાકાંત
આચરેકરનો ચેલો હતો. જોકે, છેલ્લાં બે વર્ષથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કૉચ તરીકે
અમોલે જે કામગીરી કરી છે, એનો પરિપાક એટલે આ વિશ્વ કપ વિજય. મુંબઈ રણજી ટીમ માટે તક
મળી ત્યારે પહેલી જ મૅચમાં 260 રન ફટકારનાર આ ખેલાડીને સચીન, દ્રવિડ, ગાંગુલી અને લક્ષ્મણ
જેવા મહારથીઓના કાળમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય ન મળ્યું, કદાચ એ ખટકો
મહિલા ટીમને ચૅમ્પિયન બનાવવાની રાહ પર મૂકી તેણે દૂર કર્યો છે. જીતેલી બાજી હારી જતી
અને આત્મવિશ્વાસની ભયંકર ખામી ધરાવતી મહિલા ટીમની જવાબદારી સોંપાઈ ત્યારે તેમને સ્પીચ
આપવાને બદલે એક-એક ખેલાડી સાથે બેસી, તેમને સાંભળ્યા અને સંભાળ્યા, કેમ કે તે પોતે
આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યો હતો. બીસીસીઆઈના પ્રયાસોની પણ અહીં સરાહના થવી ઘટે.
વિશ્વના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડે મહિલા ક્રિકેટને પોતાની પાંખમાં લીધા બાદ વુમન્સ
પ્રીમિયર લીગની શરૂઆત કરી અને સૂગની નજરે જોવાતી મહિલા ક્રિકેટનો દરજ્જો સુધાર્યો-વધાર્યો.
વર્લ્ડ કપની ફાઈનલ મૅચ જોવા નવી મુંબઈનું સ્ટેડિયમ છલકાવી દેનાર દર્શકો તથા ટીવી અને
મોબાઈલ પર વ્યુઅરશિપના નવા વિક્રમો સર થયા એ દેખાડે છે, પરિવર્તનનો આરંભ થઈ ગયો છે.
લીગ તબક્કામાં લાગલગાટ ત્રણ પરાજય પછી જે રીતે ટીમ ઇન્ડિયાની છોકરીઓએ હારના મોઢામાંથી
વિજય ખૂંચવી લીધો છે, એ બાબત ભારતીય મહિલાઓની વીરતા, અડગતા અને લડાયક મિજાજનો પડઘો
પાડે છે.