• મંગળવાર, 09 જૂન, 2026

વિકાસ સહયાત્રા આગળ વધે છે

93મા વર્ષના આરંભે...

`જન્મભૂમિ' વાચકો સાથેની સહયાત્રાનાં 92 વર્ષ પૂર્ણ કરીને આજે 93મા વર્ષમાં પ્રવેશે છે તે પ્રસંગે પ્રિય વાચકોનું અભિવાદન કરતાં જન્મભૂમિ પરિવાર હર્ષની અનભૂતિ કરે છે.

વીતેલા વર્ષમાં આપણે સૌ કસોટી રૂપ કટોકટીમાંથી પસાર થયા પછી હજુ નવા પડકાર આવી રહ્યા છે. પણ વિશ્વાસ અને દૃઢનિશ્ચય સાથે વિકસિત ભારત ભણી યાત્રા આગળ વધતી, ધપતી રહેશે એવો વિશ્વાસ છે.

અખાતના યુદ્ધ અને ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ આક્રમણનો અંત હજુ આવ્યો નથી. વિશ્વના દેશો ક્રૂડતેલ - પેટ્રોલની અછત અને ભાવવધારાના કારણે આર્થિક ઇમર્જન્સી જેવી હાલતમાં છે ત્યારે ભારતનું અર્થતંત્ર સધ્ધર છે, પણ જનતા માટે ભાવવધારાનો બોજ ભારે પડી રહ્યો છે. કોરોના પછી બીજી કસોટી થઈ રહી છે ત્યારે આ વર્ષે ચોમાસું નબળું જવાની આગાહી છે. અલબત્ત, અનાજના અનામત સ્ટૉક પૂરતો છે.

અર્થતંત્ર અંગે સરકાર સાવધાન છે. રાજતંત્રની સમસ્યા છે. દેશમાં અરાજકતા સર્જવાના કાવતરાં અને કુપ્રચાર થઈ રહ્યો છે તેનો જવાબ અને ચેતવણી વડા પ્રધાન મોદીએ આપી છે, જનતાએ પણ સાવધાન રહેવું જરૂરી છે. કમનસીબે વિદ્યાર્થીઓનાં ભવિષ્ય બગડે એવો ભ્રષ્ટાચાર મહત્ત્વની પરીક્ષાઓમાં થયો છે. તપાસ થાય અને અહેવાલ આવે ત્યારે - પણ હવે આ વિષયને રાજકીય રંગ અપાઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારની ગંદકીથી સફાઈ કરવા કોક્રોચ સેના આવી રહી છે!

પલટાયેલી સ્થિતિમાં  દેશપ્રેમી  નાગરિકોએ સક્રિય રહેવું પડશે

વીતેલા વર્ષના આરંભથી જ રાજકીય આક્ષેપો અને પડકારો શરૂ થયા હતા. ચૂંટણી પ્રક્રિયામાં સુધારા, મતદાર યાદીઓની ચકાસણી સામે વિરોધ અને અવરોધ શરૂ થયા. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ફરીથી સંવિધાન અને લોકતંત્ર ખતરામાં હોવાનો આક્ષેપ અને પ્રચાર શરૂ કર્યો. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં મતદાર યાદીની ફેરતપાસનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં ગયો પણ સંવિધાન મુજબ ચૂંટણી પ્રક્રિયામાં `અથથી ઇતિ' સુધી પંચ સર્વસત્તાધીશ છે, ગરબડ ગોટાળાના તમામ આક્ષેપો રાજકારણ પ્રેરિત છે એવી ખાતરી સૌને થઈ અને દેશભરમાં મતદાર યાદીઓમાં `િવદેશી ઘૂસણખોરો'નાં નામ ઉમેરી દેનારા નેતાઓ ધૂંધવાયા. વિશેષ કરીને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસનાં મમતા બેનરજી વધુ આક્રમક બન્યાં પણ વોટ બૅન્ક અને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો નિષ્ફળ બચાવ કર્યો. હિંસાચાર અને ધાકધમકીથી ચૂંટણી જીતવાના મમતા બેનરજીના પ્લાનને નિષ્ફળ બનાવવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બંગાળમાં ધામા નાખીને રહ્યા તેથી કાયદો - વ્યવસ્થા જળવાઈ ને ચૂંટણી પાર પડી. હિન્દુ મતદારો મમતાની દીદીગીરીથી ત્રાસી - આતંકિત થઈને ભાજપ ઉપર આશા-વિશ્વાસ રાખીને મતદાન કરવા નીકળ્યા. આખરે જે પરિણામ ઉપર દેશ અને દુનિયાની નજર હતી તે પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ પછી મમતાદીદી `ગીરી'ને સખત - આખરી જાકારો આપી દીધો અને પ્રથમ વખત ભાજપને સત્તા મળી છે.

જાણકારોના કહેવા મુજબ પશ્ચિમ બંગાળની ચૂંટણી અને પરિણામ ઉપર બાંગ્લાદેશ કે પાકિસ્તાન જ નહીં - ચોક્કસ મહાસત્તાની પણ નજર હતી. બંગાળને ભારતથી અલગ કરવાનો શત્રુઓના પ્લાન ઉપર ભાજપ અને બંગાળના મતદારોએ પાણી ફેરવી દીધું છે. બંગાળનાં પરિણામ આવ્યાં પછી મમતા બેનરજીની પોલ અને `હાક' છતી થઈ છે! ભત્રીજા અભિષેકની જોહુકમી ઇમર્જન્સીગાળાના સંજય ગાંધીનાં કરતૂતની યાદ અપાવે છે! આખરે પક્ષની બહુમતીએ છેડો ફાડયો છે અને વિધાનસભામાં નવા નેતા ઋતુબ્રત બેનરજી ચૂંટાયા અને સ્પીકરની મંજૂરી મળી છે.

મમતાદીદી હવે ફરીથી કૉંગ્રેસના શરણે ગયા છે પણ દાદી અથવા કાકી મટીને ભત્રીજી બન્યાં છે.

તામિલનાડુમાં પણ પરિવર્તન આવવાની ખાતરી હોવાથી કૉંગ્રેસે ગુલાંટ મારીને ડીએમકેનો સાથ છોડી અભિનેતાથી નેતા બનેલા વિજયનનો હાથ પકડયો છે. વિજયન સાથે રહેવાથી લોકસભાની આગામી ચૂંટણીમાં વધુ બેઠકો જીતવાની આશા કૉંગ્રેસને છે.

કેરળમાં કૉંગ્રેસને સત્તા અને તામિલનાડુમાં સત્તામાં ભાગીદારી મળી છે ત્યારે ભાજપે પશ્ચિમ બંગાળ, આસામ તથા પુડીચેરીમાં સત્તા મેળવી છે. હવે રાજકારણમાં ઊથલપાથલ શરૂ થઈ છે. આગામી વર્ષ-2027માં રાજકીય ભવિષ્યનું દિશાસૂચન મળશે. વડા પ્રધાન મોદી એક રાષ્ટ્ર - એક ચૂંટણીના અમલની શરૂઆત કરશે જ.

કૉંગ્રેસનો ઇન્ડિ મોરચો ઊભો કરવામાં નીતિશકુમાર પછી ડીએમકેનું સમર્થન મહત્ત્વનું હતું હવે ડીએમકે સંસદમાં પણ કૉંગ્રેસ સાથે બેસવા તૈયાર નથી. અલગ બેઠકોની માગણી કરી છે. ડીએમકેની જેમ તૃણમૂલ કૉંગ્રેસના સંસદસભ્યો પણ મમતા - અને કૉંગ્રેસનો સાથ છોડીને અલગ બેસવાની માગણી કરે તો સંસદમાં ઇન્ડિ મોરચાનું સંખ્યાબળ ઘટશે અને મોદી સરકાર મહિલા આરક્ષણનો ખરડો ફરીથી લાવી શકે એવા સંજોગો છે.

સંસદમાં સફળતાની આશા નથી તેથી રાહુલ ગાંધી સંસદ બહાર ભારત સરકાર ઉપર આક્ષેપો અને પ્રચાર કરી રહ્યા છે. તમે જિંદગીમાં જોઈ નહીં હોય એવી મોંઘવારી આવી રહી છે અને મોદી સરકાર એક વર્ષમાં `પલાયન' થશે એવી આગાહી કરીને રાહુલ ગાંધી આશા સેવી રહ્યા છે!

આ દરમિયાન પરીક્ષાઓની વ્યવસ્થામાં થયેલી ગરબડ અને ભ્રષ્ટાચારનો ભડકો થયો છે. દસ લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત અને આશા ઉપર પાણી ફરી વળ્યું છે. અલબત્ત, કેન્દ્ર સરકારે જવાબદાર અધિકારીઓને દૂર કરીને તપાસ શરૂ કરાવી છે પણ પરીક્ષાના કારણે સરકારની અગ્નિપરીક્ષા થઈ રહી છે. યુવા પેઢીને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને પ્રયાસનું સ્થાન હવે યુવા વર્ગના આક્રોષે લીધું છે. આ સ્થિતિનો ફાયદો વિપક્ષો ઉઠાવવાની તૈયારી કરે છે ત્યાં `કોક્રોચ જનતા પાર્ટી' રાજકીય મેદાનમાં ઉતરી રહી છે! નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશમાં યુવા વર્ગની ક્રાન્તિનો પવન જેવું પરિવર્તન ભારતમાં લાવવાનું સ્વપ્ન છે! અલબત્ત, આપણે ગુજરાત અને બિહારમાં વિદ્યાર્થી આંદોલન જોયાં છે. રાજકારણથી અલિપ્ત હોય એવું આંદોલન કોક્રોચ પાર્ટી કરી શકશે કે પછી નેતાઓ કોક્રોચની પીઠ ઉપર સવારી કરશે?

પલટાયેલી સ્થિતિ અને સંજોગોમાં જાગૃત, દેશપ્રેમી નાગરિકોએ સચિંત અને સક્રિય રહેવું પડશે. યુવા ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે 1947 સુધી સુવર્ણ યુગ છે. આંતરરાષ્ટ્રીય અશાંતિ, યુદ્ધની સ્થિતિ અને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ આક્રમણના પડકાર ઝિલવા અને પ્રતિકાર કરવા આપણું રાજતંત્ર અને અર્થતંત્ર સજાગ અને સક્રિય છે. જનતાની સમજ અને સહકાર, નૂતન, સુવર્ણ ભારતનું સર્જન કરવામાં અગ્રેસર હશે એવો વિશ્વાસ હોવો જોઈએ.

સુવર્ણ યુગના અંશરૂપે અત્યારે `સ્માર્ટ' કાળ છે! હાથમાં સ્માર્ટ ફોન હોય ત્યારે સમસ્ત દુનિયા આપણી મુઠ્ઠીમાં આવી જાય છે, સમાઈ જાય છે! નાના મોટા ધંધાર્થીઓ હવે રોકડ વ્યવહાર ઉપર નહીં, સ્માર્ટ ફોન ઉપર આધાર રાખે છે. બૅન્કિંગ, શોપિંગથી લઈને મનોરંજન સુધી આપણો રોજિંદો વ્યવહાર પણ ઈ-કૉમર્સ છે તેથી પાંચ આંગળીમાં અને ખિસ્સામાં પાકીટ રાખવાની પણ જરૂર નથી.

રોજિંદા વ્યવહારની ક્રાંતિ સાથે મીડિયામાં પણ ક્રાંતિ આવી છે. વધુ વ્યાપક `વાયરલ' બની રહી છે આપ હવે જન્મભૂમિ ગ્રુપનાં અખબારો મોબાઇલ ઉપર વાંચી શકો છો. અલબત્ત, વિન્ડો શોપિંગની જેમ આ વિન્ડો રીડિંગ છે. પણ અખબાર તમે હથેળીમાં દસ આંગળીઓ વચ્ચે રાખીને વાંચો ત્યારે જ તમે `વાચક રાજ્જા' બની શકો છો. નવી, યુવા પેઢી દેશકાળ - સાંપ્રતસમાજથી અવગત રહે અને માતૃભાષાનો પ્રેમ આદર ભાવના જાગે તે દૃષ્ટિએ હવે આપના પ્રિય `જન્મભૂમિ'નો કાયાકલ્પ થઈ રહ્યો છે. વાચક સામગ્રીના વૈભવ સાથે તે સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે.

હવે નવો પડકાર - અઈંનો છે તેથી આજના વિશેષ અંકમાં કૃત્રિમ બુદ્ધિમત્તા - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષે માહિતી સાથે માર્ગદર્શન આપતા નિષ્ણાતોના લેખ છે. અઈં પાસે દિમાગ છે, દિલ નહીં. તે વાસ્તવિકતાનો ખ્યાલ મળી રહેશે. આશા છે વાચકોને રસપ્રદ અને માહિતી સભર વિશેષ પૂર્તિ પસંદ પડશે.

ડિજિટલ દિશામાં જન્મભૂમિના પગરણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મીડિયાના મંચ દ્વારા થયાં છે. રોજેરોજ ડિજિટલ ન્યૂઝ અપડેટ, વીડિયોઝ તથા બનતી ઘટનાઓ-સમાચારના વીડિયો વિશ્લેષણ, પોડકાસ્ટ, નવી ઍપ, અપડેટેડ વેબસાઇટ તથા બીજું ઘણું બધું આગામી સમયમાં આવશે. અખબાર રૂપે `જન્મભૂમિ' આપની સાથે જોડાયેલું રહેશે, નવાં સ્વરૂપ - કલેવર - રંગરૂપ આવશે.

જન્મભૂમિ પત્રોના ઉત્કર્ષ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા તથા ટ્રસ્ટીમંડળની પ્રેરણા - પ્રોત્સાહનનાં પરિણામે મીડિયા ધર્મ અને રાષ્ટ્રધર્મનું જતન શક્ય બને છે. ઉપરાંત આજના શુભ પ્રસંગે જન્મભૂમિની વાંચનસામગ્રીને વધુ સમૃદ્ધ અને વાચકપ્રિય બનાવતા અમારા સમ્માનીય સૌ કટાર લેખકોનો દિલથી આભાર માનીએ છીએ. જન્મભૂમિ પરિવારના સાથી-સહયોગી અખબારો - વ્યાપાર, ફૂલછાબ અને કચ્છમિત્ર તથા કવિતા અને પંચાંગ વિભાગના સહયોગની નોંધ લેતાં ગર્વ અનુભવીએ છીએ. વિજ્ઞાપન દાતાઓ, વિક્રેતાબંધુઓ, શુભેચ્છકો અને પ્રિય વાચકોનો સ્નેહ, પ્રેમ=સહકાર જન્મભૂમિને આવનારાં વર્ષોમાં મળતો રહે એવી પ્રાર્થના. શતાબ્દી ભણી સહયાત્રા સફળ બની રહે એવી પ્રાર્થના.