• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

જેસિન્ડા અર્ડનનું પ્રશંસનીય પગલું 

સામાન્ય ચૂંટણીના લગભગ આઠ મહિના પહેલાં પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરીને ન્યૂ ઝીલૅન્ડનાં વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ને દેશવાસીઓને આશ્ચર્યમાં નાખ્યા છે, પણ તેમનો આ નિર્ણય ભારતસહિત દક્ષિણ એશિયાઈ દેશો માટે વધુ ચોંકાવનારો છે, જ્યાં સત્તાધીશો માત્ર સરકાર નહીં પણ રમતગમત તથા અન્ય ક્ષેત્રોનાં પદો પર એ હદે જામી જાય છે કે, તેમને ફરજ પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ ટસના મસ થતા નથી. 

પોતાને મળેલું પદ છોડવાનો મોહ ત્યાગવાની ખેલદિલી ન રાખવાના અત્યારના યુગમાં જેસિન્ડાએ પદ છોડવા માટે આપેલું કારણ ઊડીને આંખે વળગે એવું છે. આ મહત્વના પદ પર રહી કાર્ય કરવાની ઊર્જા મારામાં નથી અને બીજા નેતાઓ આ કામ મારાથી વધુ સારી રીતે કરી શકે એમ છે, એવું કહી જેસિન્ડા વડા પ્રધાન પદ છોડવા તૈયાર થયાં છે. 2008માં સાંસદ તરીકે ચૂંટાયેલાં જેસિન્ડા અર્ડન 2017માં ચર્ચામાં આવ્યાં હતાં, જ્યારે મહિલા અધિકારીઓની તરફેણમાં અને બાળાશ્રમ તેમ જ આર્થિક અસમાનતા સામે અવાજ ઉઠાવીને લેબર પક્ષના આ 37 વર્ષના નેતા વિશ્વનાં સૌથી નાની વયના રાષ્ટ્ર અધ્યક્ષ બન્યાં હતાં.

આ પછી પોતાના તમામ નિર્ણયોમાં પોતાના નેતૃત્વ ક્ષમતાનો પૂરતો પરિચય આપ્યો હતો. 2019માં ન્યૂ ઝીલૅન્ડમાં બે મસ્જિદો પર થયેલા આતંકવાદી હુમલા પછી મુસ્લિમ સમુદાયના પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા હોય કે વ્હાઈટ આઈલૅન્ડમાં જ્વાળામુખી વિસ્ફોટ પછી તુરંત ત્યાંની મુલાકાત લેવાનું સાહસ કે કોરોના સમયે લોકડાઉન લાગુ કરી સીમાઓ સીલ કરી દેશને મહામારીમાંથી બચાવી લેવાનું દૂરંદેશીપણું હોય, આ બધામાં તેમની નેતૃત્વ ક્ષમતા અને લોકાભિમુખ અભિગમ દેખાય છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ત્રણ મહિનાની પુત્રીને સાથે લઈને પોતાના મુક્ત પ્રગતિશીલ વિચારના દર્શન કરાવ્યા હતા. દુનિયાભરમાં જમણેરી રાજનીતિના ઉદય વચ્ચે `વોગ' અને `ટાઈમ' મૅગેઝિનનાં મુખ્યપૃષ્ઠો પર ચમકેલાં જેસિન્ડા અર્ડન આ દરમિયાન પ્રગતિશીલ ડાબેરી રાજનીતિનો વૈશ્વિક ચહેરો બન્યાં હતાં. જોકે, 2020માં ફરી ચૂંટણી જીતવા છતાં મોંઘવારી અને વિપક્ષ શક્તિશાળી હોવાના કારણે ગયા ડિસેમ્બરમાં થયેલા સર્વેમાં લેબર પક્ષનું સમર્થન 40 ટકા ઘટીને 35 ટકા પર આવી ગયું હતું અને અૉક્ટોબરમાં થનારી ચૂંટણીમાં જમણેરી નેશનલ પક્ષની જીતની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

આમ છતાં ચૂંટણી હાર્યા પછી હિંસાના સહારે સત્તામાં ફરવાના પ્રયાસ કરવાનાં ઉદાહરણો આપણી સામે છે, જેવું કે અમેરિકા પછી બ્રાઝિલમાં જોવામાં આવ્યું, ત્યારે સત્તા રાજનીતિનાં ટોચ પર રહીને જેસિન્ડા અર્ડનની વ્યક્તિગત ઈમાનદારીનું આ દૃષ્ટાંત પ્રશંસનીય અને અનુકરણીય છે. હવે લેબર પક્ષના નેતા ક્રિસ હિપકિંગ ન્યૂ ઝીલૅન્ડના વડા પ્રધાન બનશે. જોકે, હિપકિંગ કેટલો સમય વડા પ્રધાનપદ પર રહેશે, એ અનિશ્ચિત છે, કારણ કે અૉક્ટોબરમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે.