• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ભુજબળના નિશાના પર કોણ?

ભાજપના મતદારોમાં 60 ટકા અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી છે, એવું માનવામાં આવે છે. આથી ઓબીસી ક્વૉટામાંથી અન્યોને હિસ્સો આપવાનો થશે તો આનું પરિણામ ભાજપે ભોગવવાનું આવશે, એવી ચેતવણી છગન ભુજબળે આપી છે. મનોજ જરાંગેના ઉપવાસ ચાલુ હતા ત્યારે પોલીસો પર પથ્થરમારો થયો, 70 પોલીસો જખમી થયા. આટલા પોલીસો જખમી થયા પછી લાઠીચાર્જ કરવામાં આવ્યો. આ મામલામાં પોલીસની બાજુ સાંભળવામાં નથી આવી. ગૃહપ્રધાને જ પછી માફી માગી, આ કારણસર જરાંગેની હિંમત વધી એવી ટીકા પણ ભુજબળે કરી છે. 

આની સાથે જ ભુજબળે જરાંગે પાટીલનું નામ નહીં લેતા તેમને નિશાન પર લીધા છે. તેમણે કહ્યું છે કે, મહારાષ્ટ્ર શું તમારા નામ પર લખી આપું. આવો સવાલ કરી દાદાગીરી ચાલવા દઈશું નહીં, જરાંગે દ્વારા કરવામાં આવેલા ગામબંધીનાં પાટિયાં શાસન જ દૂર કરે એવી માગણી પણ તેમણે કરી છે.

આજે મરાઠા સમાજનો નવો નેતા નિર્માણ થયો છે, પણ તેને અભ્યાસ જ નથી. અમને અનામત બંધારણે આપ્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપ્યું છે, મંડળ પંચે આપ્યું છે. નવ ન્યાયમૂર્તિઓએ તેના પર મહોર મારી છે. જરાંગેએ ભુજબળનું નામ નહીં આપતાં વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે, જેની પાસે એક સમયે ખાવા માટે પૈસા ન હતા તેણે જનતાનું શોષણ કર્યું છે. તેને લઈને જ તેને જેલમાં પીઠલું-ભાખરી ખાવી પડી. અમે અમારી મહેનતનું ખાઈએ છીએ. પસીનો પાડીએ છીએ. એક સમયે જેની પાસે ખાવાનાં ફાંફાં હતા તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ આવી ક્યાંથી? એવો પ્રશ્ન જરાંગેએ કર્યો છે. સરકારનો એક પ્રધાન જાહેરમાં જ સરકારને ચેતવણી આપે એ અનામત પ્રશ્ન હવે ભારેલા અગ્નિ જેવી નહીં રહે તેની સાક્ષી પૂરી રહ્યો છે. આટલું જ નહીં, એક જ પક્ષના બંને પ્રધાનો અનામતના પ્રશ્ને એકબીજા વિરુદ્ધ હોય એવું ચિત્ર ઊભું થયું છે. અનામત અંગે અજિત પવારના વલણની પણ ભુજબળ ભારે ટીકા કરી રહ્યા છે. આમ અનામતના પ્રશ્ને રાષ્ટ્રવાદી પક્ષમાં તિરાડ હોવાનું પણ સ્પષ્ટ થયું છે. 

મરાઠા સમાજને સીધા અનામતના મુદ્દે સમર્થકો અને વિરોધીઓ ખુલ્લેઆમ એકબીજાની સામે આવી ઊભા હોવાથી સરકારે કાયદો અને વ્યવસ્થા પ્રતિ વિશેષ લક્ષ આપવાનું રહેશે. દરમિયાન અનામતને લગતી એક મહત્ત્વની ઘટનાની નોંધ લેવી રહી. હરિયાણાના રહેવાસીઓને ખાનગી કંપનીની નોકરીમાં 74 ટકા અનામત આપવાનો ત્યાંની રાજ્ય સરકારે 2020માં ઘડેલો કાયદો પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે રદ કર્યો છે. હરિયાણા સ્થાનિક ઉમેદવાર રોજગાર કાયદો, 2020 રદ થવાથી હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાન અને જનનાયક જનતા પક્ષના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાને મોટો રાજકીય આંચકો લાગ્યો છે. આ કાયદો બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ હોવાનું નિરીક્ષણ હાઈ કોર્ટે કર્યું છે.