• શનિવાર, 25 માર્ચ, 2023

છાત્રોને તાણમુક્ત રહીને પરીક્ષા આપવા મોદીની શીખ

પરીક્ષા એટલે છાત્રનાં જીવનની કસોટી. વરસ આખું શાળામાં ઘર કે ટયુશન ક્લાસિસમાં મહેનત કર્યા પછી તેની કિંમત પરીક્ષામાં અંકાતી હોય છે. ગુજરાતમાં બોર્ડ પરીક્ષામાં ગુણને બદલે ગ્રેડ સિસ્ટમ આવી ગઈ છે. છાત્રો વચ્ચે તીવ્ર સ્પર્ધા અને તેમાંથી ક્યારેક જન્મતી હતાશાને નિવારવાનો તેનો હેતુ હોવા છતાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિની પરીક્ષાના હાઉથી બચી શકતાં નથી. જાણે અજાણે માર્કસની દોડમાં પડી જાય છે. એક્ઝામ એવો ભારેખમ શબ્દ છે, જે છાત્રને માનસિક તાણમાં મૂકી દે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `પરીક્ષા પે ચર્ચા'ની પહેલ કરીને છાત્રોને નિર્ભય અને મુક્તપણે કસોટી આપવાની સલાહ આપી છે. નવી દિલ્હીનાં તાલ કટોરા સ્ટેડિયમથી દેશભરના છાત્રો સાથે કરેલા સંવાદમાં વડા પ્રધાને કહ્યું છે કે, પરીક્ષાને સાહજિકતાથી લેવાની જરૂર છે. 

વડા પ્રધાને સંદેશમાં કહ્યું છે કે, તેઓ જીવનમાં ક્યારેય પણ શોર્ટકટનો માર્ગ ન અપનાવે. તેમણે કોપી વિશે કહ્યું કે, આમાં અલ્પકાલીન લાભ તો થઈ શકે છે, પરંતુ દીર્ઘકાલીન નુકસાન જ થશે. પ્રયોગશીલ કાર્યપદ્ધતિ માટે જાણીતા નરેન્દ્રભાઇએ `પરીક્ષા પે ચર્ચા' દ્વારા દેશની યુવાન પેઢીની સાથે સહજ સંબંધ કાયમ કરી લીધો છે, આ વખતે દેશભરથી રેકર્ડ 38 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને સતાવતો હોય છે, એનો કોઈ ઈન્કાર ન કરી શકે. એનસીઈઆરટીના સર્વે પ્રમાણે, નવમીથી બારમી સુધીનાં 80 ટકા બાળકો પરીક્ષા અને રિઝલ્ટને લઈ ચિંતિત હોય છે. ગળાકાપ સ્પર્ધાએ પરીક્ષાનો એવો ખોફ ઊભો કરી દીધો છે, જેનાં કારણે અનેક બાળકો પોતાનો જીવ સુદ્ધાં આપી દે છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા અનુસાર 2021માં આખા દેશમાં વિભિન્ન કારણોથી 13,089 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જે ખરેખર ચિંતાજનક છે. આ સ્થિતિ એ પણ દર્શાવે છે કે, કિશોરો અને યુવાનોથી નિરંતર સંવાદની આવશ્યકતા છે. વાસ્તવમાં સામાજિક, કૌટુંબિક બંને સાથીઓનાં દબાણને કારણે પણ બાળકો તાણમાં રહેતાં હોય છે. અપેક્ષાઓથી સંકળાયેલી આ તાણ વિશે બોલતાં વડા પ્રધાને આને સહજ રીતે ટીકાથી સાંકળી લીધી છે અને વાલીઓ તેમજ શિક્ષકોને પરોક્ષ રૂપે સંદેશ આપ્યો છે કે, બાળકો પર અનાવશ્યક દબાણ ન લાવે. બાળકો માટે પણ તેમની શીખ છે કે, તેઓ સમયનાં મૅનેજમેન્ટને વ્યવસ્થિત રાખે અને સ્માર્ટ રીતે મહેનત કરે, જેથી કોપીથી દૂર રહેવું પડે. ટેક્નેલૉજી, ખાસ કરીને ગેઝેટે શિક્ષણમાં ભારે બદલાવ લાવ્યો છે, જેવું કે મહામારીના પરાકાષ્ઠા સમયમાં અૉનલાઈન શિક્ષણ દ્વારા જોવામાં આવ્યું હતું, પરંતુ મોબાઈલ ફોન વગેરેનાં કારણે અભ્યાસને અસર પહોંચી રહી હતી. એવા પણ અહેવાલ છે કે, જે ગેઝેટના ખોટા ઉપયોગથી થતા શારીરિક, માનસિક વિકારો વિશે અંગુલિનિર્દેશ કરે છે. વડા પ્રધાને આને પહોંચી વળવા માટે એક દિવસનો ડિજિટલ ઉપવાસ રાખવાની શીખ આપી છે, જેની આવશ્યકતા કદાચ બાળકો સાથે વાલીઓને પણ છે. નિ:સંદેહ પરીક્ષા અને શિક્ષણ પ્રણાલીમાં હજી પણ સુધારની આવશ્યકતા છે, જેથી બાળકો અનાવશ્યક દબાણથી મુક્ત થઈ શકે.