• શનિવાર, 25 માર્ચ, 2023

રાહુલ સામેના નવા પડકારો

રાહુલ ગાંધીની `ભારત જોડો' યાત્રાનું સમાપન મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ શ્રીનગરમાં થયું તે પૂર્વ આયોજિત હતું કે, યોગાનુયોગ તે પદયાત્રીઓ અને લોકો જ નક્કી કરી શકે. આ યાત્રા દ્વારા રાહુલ ગાંધીનો રાજકીય નવો અવતાર થયો છે. એમણે પોતે જ એક પત્રકાર પરિષદમાં `વો રાહુલ મર ગયા...' એવા સૂચક ઉદ્ગાર કાઢ્યા હતા. હવે આ પુનર્જન્મ કૉંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકશે  કે કેમ તે જોવાનું છે.

ભારત જોડો યાત્રા દ્વારા વિપક્ષને કૉંગ્રેસના છત્ર નીચે લાવવાની વ્યૂહરચના સફળ નથી થઈ અને મોટા ભાગના મોટા નેતાઓ રૅલીથી દૂર રહ્યા છે. અડધો ડઝન પક્ષોએ પોતાના પ્રતિનિધિ મોકલ્યા પણ અન્ય પક્ષોના પ્રતિનિધિ સમારોહમાં પહોંચ્યા જ નહીં. સ્પષ્ટ છે કે કૉંગ્રેસની વ્યૂહરચના માટે આ આંચકો છે. હવે યાત્રાને બિનરાજકીય ગણાવી નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ થયાની ટીકા થઈ રહી છે.

કૉંગ્રેસના નેતાઓની ધારણા હતી કે ભાજપ સુરક્ષાનાં કારણોસર કાશ્મીરમાં રૅલીની પરવાનગી નહીં આપે તો આ મુદ્દા પર ભાજપને ઘેરી શકાય છે પણ આ મોકો મળ્યો નહીં. તૃણમૂલ, રાજદ, જદયુ, બિજદ સહિત અનેક પક્ષોએ સમારોહમાં સામેલ થવાનો ઈનકાર કરતાં યાત્રા અને કૉંગ્રેસની નિયત પર સવાલ કર્યા હતા.

આજે કૉંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં લોકસભાની એક પછી એક બે ચૂંટણીઓમાં તે 50 સાંસદોનો આંક પણ સિદ્ધ થયો નહીં. કૉંગ્રેસને દેશભરમાં એકબાજુ ભાજપ, બીજી બાજુ શક્તિશાળી પ્રાદેશિક પક્ષો અને ત્રીજી બાજુ આમ આદમી પક્ષ એમ ત્રિકોણી પડકાર છે. આમાંના કેટલા પ્રાદેશિક પક્ષો કૉંગ્રેસ સાથે પ્રમાણિક મૈત્રી કરશે એ પ્રશ્ન છે. કૉંગ્રેસ અને પર્યાયે રાહુલ ગાંધીની રાષ્ટ્રીય નેતૃત્વ માન્ય કરવાની મન:સ્થિતિમાં પ્રાદેશિક પક્ષો આવે તેના પર વિપક્ષોની એકતાનો પ્રવાસ અવલંબશે.

રાહુલ ગાંધી ગંભીર અને શક્તિશાળી નેતા છે એમ લોકોના મનમાં ઠસાવવાના અથાક પ્રયાસો થયા છે. પણ કૉંગ્રેસનું સંગઠન શક્તિશાળી બનાવવું, પક્ષાંતર્ગત જૂથબાજી કાબૂમાં લેવી, મિત્રપક્ષોને વિશ્વાસમાં લેવા અને આગળ અનેક લડત આપવાની રાજકીય હિંમત ટકાવી રાખવી એ હવે પછીના પડકારો છે. કૉંગ્રેસ માને છે કે યાત્રા સફળ થઈ છે તો પણ તે માટે યાત્રાનું પરિણામ અને સંસ્કાર ભારતીયોનાં મન પરથી ભૂંસાઈ જાય તે પહેલાં આગળની વ્યૂહરચના તૈયાર કરવી પડશે. આ જ પડકાર યાત્રા કરતાં પણ મોટો છે.