કુન્દન વ્યાસ
સતત બે વર્ષ કોરોના મહામારી અને પછી યુક્રેન ઉપર રશિયાના આક્રમણથી વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ છે, ક્રૂડતેલના ભાવવધારાથી આમજનતા ઉપર બોજ પડયો છે અને હવે વિશ્વના સમૃદ્ધ દેશો ઉપર આર્થિક મંદીનાં વાદળ ઘેરાયાં છે ત્યારે આપણા અર્થતંત્ર માટે કેટલાંક વર્તુળો અમંગળ આગાહી કરી રહ્યાં હતાં - આ સૌ વિઘ્નસંતોષીઓને નાણાપ્રધાન નિર્મલા સીતારામને જવાબ આપીને બોલતી બંધ કરી છે! હવે રાષ્ટ્રપતિજીના મંગળ પ્રવચનને ચૂંટણી પ્રચાર લેખાવ્યા પછી બજેટની પણ ચૂંટણીના વચન ઘોષણાપત્ર - હોવાની ટીકા થાય છે! લોકહિતનાં કાર્ય લોકપ્રિય બને તો તે આવકાર્ય હોવાં જોઈએ. આ વર્ષે નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી બજેટ પરિણામ આવ્યાં પછી રજૂ થશે - તે દરમિયાન વચગાળાના ખર્ચ માટે - વોટ અૉન એકાઉન્ટ - લોકસભામાં મંજૂર થશે. આ વર્ષના બજેટની અસરનો લાભ ત્યાં સુધીમાં મળવા લાગશે. વિપક્ષની ચિંતા સમજી શકાય છે પણ વોટ મેળવવા માટે આ બજેટ ડફોળશંખની `રેવડી' નથી - રેવડી બજારિયાઓ ઉપર `ત્રેવડી' છે! માત્ર વચનોની લહાણી નથી, નક્કર પ્રસ્તાવ - વચનપાલન છે! વડા પ્રધાન મોદીનો `સ્ટ્રેટેજીક પ્રહાર' છે!
લોકસભામાં બજેટ રજૂ થાય તે પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું : અત્યારના વૈશ્વિક સંજોગોમાં, માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વની નજર આપણા બજેટ - ઉપર છે. ભાજપના નેતૃત્વ હેઠળની ભારત સરકાર માટે ભારત ફર્સ્ટ, દેશવાસીઓ ફર્સ્ટનું ધ્યેય છે અને સંસદના બજેટ સત્રમાં પણ આજ લક્ષ્ય અને ભાવના હશે. લોકોની અપેક્ષા પૂર્તિ માટે નાણાપ્રધાન પૂરતા પ્રયાસ કરશે એમ હું દૃઢપણે માનું છું! આપણા અર્થતંત્ર અંગે વિશ્વમાંથી આવેલા વિશ્વાસપાત્ર અભિપ્રાય હકારાત્મક પ્રોત્સાહક સંદેશ આપે છે.
નાણાપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને લોકસભામાં `અમૃતકાળ'નું પ્રથમ બજેટ રજૂ કરીને જણાવ્યું કે ભારતનું અર્થતંત્ર પાટા ઉપર છે અને ઉજ્વળ ભવિષ્ય ભણી આગળ વધી રહ્યું છે. વર્ષ 2023ના બજેટમાં સર્વસમાવેશ અર્થતંત્રના ધ્યેય સાથે કરવેરાના દરની દરખાસ્તોમાં મહત્ત્વના સુધારા પ્રસ્તાવિત છે જેને પગારદાર - મધ્યમ વર્ગે હર્ષપૂર્વક વધાવ્યા છે. પહેલા નોટબંધી અને પછી કોરોનાની મહામારીનાં બે વર્ષ દરમિયાન સૌથી વધુ સહન કરવાનું જો આવ્યું હોય તો તે દેશના મધ્યમ વર્ગને, ખાસ કરીને નોકરિયાતોને. મફતની લહાણીના વાયદા આપતા આમ આદમી પક્ષમાં તેમના પ્રતિ ખરેખરી સહાનુભૂતિ નથી. તેમ અંબાણી, અદાણીને સતત નિશા બનાવતા રાહુલ ગાંધીને પણ આ વર્ગને લાભ કરાવે તેવા કોઈ નક્કર સૂચનો નથી.. અર્થતંત્ર પણ મહામારીની અસરમાંથી હજી માંડ બહાર આવ્યું છે ત્યારે, નાણાપ્રધાને તેમની મુશ્કેલી અને પીડાને સમજીને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.
આવકવેરાની મુક્તિમર્યાદા વધારીને ત્રણ લાખ રૂપિયાની કરવાની દરખાસ્ત જૂના અને નવા કર માળખામાં રહેનારા કરદાતાને ફાયદો કરાવશે. રિબેટ સાથેની કરમુક્તિ મર્યાદા સાત લાખની સૂચવાઈ છે. એટલે માસિક પચાસ હજારથી થોડી વધુ આવક મેળવનારા કરદાતા કરવેરાની જાળમાંથી બહાર આવશે. તેથી કરવેરા અધિકારીઓનો બોજો ઘટશે અને તેઓ મોટા કરદાતા ઉપર વધુ ધ્યાન આપી શકશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે : અમૃતકાળના પ્રથમ બજેટ સમાજ, કૃષિ ક્ષેત્ર અને મધ્યમ વર્ગની અપેક્ષાઓ અને સ્વપ્ન સાકાર કરવાનો પાયો છે. સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણ માટે મધ્યમ વર્ગ મહાશક્તિ છે. અમારી સરકારે મધ્યમ વર્ગને સશક્ત બનાવવાના ઘણાં પગલાં ભર્યાં છે. વિકાસને વેગ અને નવી ઊર્જા આપવા માટે પાયાની જરૂરિયાતો - ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દસ લાખ કરોડ ફાળવાયા છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ પહેલાં જ્યારે એમ કહ્યું કે `હું પણ મધ્યમ વર્ગની છું અને તેથી મધ્યમ વર્ગની મૂંઝવણ અને સમસ્યાઓ જાણું છું' ત્યારે લોકોને બજેટમાં રાહત મળવાની આશા જાગી હતી. નિર્મલા સીતારામને નિરાશ નથી કર્યા, મોટી રાહત આપી છે. મધ્યમ વર્ગ - અર્થાત્ મોટે ભાગે પગારદાર વર્ગને આવકવેરામાં ગણનાપાત્ર રાહત આપી છે. જે બદલ નાણાપ્રધાનને અભિનંદન નહીં ધન્યવાદ આપવા જોઈએ. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી નવ વર્ષે મધ્યમ વર્ગના કરદાતાઓને આ રાહત મળી છે. નિર્મલા સીતારામને બે દિવસ પહેલાં જ મધ્યમ વર્ગને રાહતની આશા આપીને પછી ટકોર પણ કરી હતી કે અત્યાર સુધી રાહત આપી નથી, તો નવા વેરા નાખ્યા પણ નથી! અને શહેરી વિસ્તારોમાં મોટા ભાગના મધ્યમ વર્ગીય પગારદારો રહે છે એમની સુવિધા - મેટ્રો રેલ સહિત વધારવામાં આવી તે પણ એક રાહત છે! એમની વાત સો ટકા સાચી છે છતાં સુવિધા અને નાણાકીય રાહત બંને જરૂરી છે. આ વાત સ્વીકારીને એમણે બજેટમાં કરબોજ ઘટાડવાની જાહેરાત કરી છે.
આપણા દેશમાં લગભગ 30 ટકા જે લોકો શહેરોમાં રહે છે એમની વાર્ષિક આવક રૂા. પાંચથી ત્રીસ લાખ સુધીની હોય છે અને તેઓ મધ્યમ વર્ગની વ્યાખ્યામાં આવે છે. 30 લાખથી ઉપરની આવકવાળા માત્ર ત્રણ ટકા `ધનવાન' ગણાય છે! આપણે ત્યાં એક દલીલ અને રજૂઆત હંમેશાં થતી રહી છે કે મુઠ્ઠીભર ઉપલો વર્ગ અર્થતંત્રમાં સૌથી મોટો ફાળો આપે છે. કરદાતાઓની સંખ્યા વધારવાની અને કરબોજ ઘટાડવાની જરૂર છે. હવે નાણાપ્રધાને આ દિશામાં પગલાં ભર્યાં છે.
નોંધપાત્ર બાબત એ છે કે હવે વસતિ વધી રહી છે અને સ્થિતિ સુધરી છે ત્યારે સરકાર વધુ રાહત આપી શકે એમ છે. આ સાથે સિનિયર નાગરિકોને પણ રાહત આપવામાં આવી છે.
મધ્યમ વર્ગ એટલે ગરીબ પણ નહીં અને ધનિક પણ નહીં! સરકારની તમામ યોજનાઓ ગરીબ-કલ્યાણની. વિનામૂલ્યે અનાજ વિતરણ હોય કે કિસાનોને ખાતર - સબસિડી, કેશ-ટ્રાન્સફર અને લોન-માફી - આવા તમામ લાભથી મધ્યમ વર્ગ વંચિત રહે? મધ્યમ વર્ગના કોઈ પ્રવક્તા નહીં, કોઈ યુનિયન નહીં. આમાં પણ પગારદાર વર્ગની સ્થિતિ કફોડી - સરકારી કર્મચારીઓને પૂરા લાભ મળે. મોંઘવારી ભથ્થાં વધે અને બૉનસ પણ મળે. હવે જૂના-નવા પેન્શનનો વિવાદ છે અને વિપક્ષની સરકારો કેન્દ્ર સરકારને ભીંસમાં લેવા માટે જૂની પ્રથાનો અમલ કરવાનાં વચન આપે છે! ખાનગી ક્ષેત્રના પગારદાર ક્યાં જાય? મોંઘવારીમાં રાહત આપવા માટે આખરે કરબોજમાં રાહત આપવામાં આવી છે.
તાજેતરનાં વર્ષોમાં ચૂંટણી પ્રચારમાં રેવડી - બજાર શરૂ થયાં છે! સત્તામાં આવે ત્યારે અમલની જવાબદારી હોય - અને સત્તા મળે નહીં તો પણ અર્થતંત્ર અને રાજતંત્ર `અભડાઈ' જાય છે! આવાં ચૂંટણી વચનોને બદલે કેન્દ્રીય બજેટમાં એકસાથે મોટી જાહેરાત કરીને નાણાપ્રધાને રેવડી બજારિયાઓને મહાત કરી દીધા છે! `રેવડી ઉપર ત્રેવડી' ભારે પડી છે!
આવકવેરામાં રાહત ઉપરાંત બચત યોજનાઓની મુદત અને મર્યાદા વધારવામાં આવી છે.
છેલ્લાં નવ વર્ષ દરમિયાન વડા પ્રધાન મોદીએ કૃષિ ક્ષેત્રના સુધારા અને કિસાનોને લાભ આપવા માટે પગલાં લીધાં પણ `રાજકીય ગ્રહણ' ડગલે ને પગલે નડતાં રહ્યાં. આમ છતાં કિસાનોના લાભાર્થે ઘણાં પગલાં ભરાયાં છે. આ વર્ષના બજેટમાં પણ જોગવાઈ છે. વ્યાપાર-ઉદ્યોગની આશા-અપેક્ષા સંતોષવા માટે પણ પગલાં લીધાં છે. સમાજના દરેક વર્ગ - દલિત, વંચિત, સૌની કાળજી લીધી છે પણ એકમાત્ર `મૂંગા મધ્યમ વર્ગ'નો વારો હવે આવ્યો છે - આમાં પણ ખાનગી ક્ષેત્રના પગારદાર વર્ગ ઉપર મોંઘવારીનો માર કાયમ પડયો છે. આ વખતે નાણાપ્રધાન ઉદાર બન્યા છે અને કરવેરા - બચત યોજનાઓમાં રાહત આપી છે! આ ઉપરાંત પોષાય તેવા ભાવો - રહેઠાણ મળે તે માટે વડા પ્રધાનની યોજના માટેની નાણાકીય જોગવાઈમાં 66 ટકાનો વધારો કરીને રૂા. 79 હજાર કરોડ ફાળવ્યા છે. ભારતીય રેલવેના વિકાસ અને વિસ્તૃતીકરણ માટે 2.40 લાખ કરોડ ફાળવ્યા છે જે 2013-14ની ફાળવણી કરતાં નવ ગણા વધુ છે. દેશભરમાં 50 જેટલાં નવાં વિમાનમથકો - પણ બંધાશે.
આ `નૂતન ભારત'ના નિર્માણ ભણી ગતિ અને શક્તિ સાથે આગેકૂચ છે.