રેલવેને 2.41 લાખ કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ મળ્યું છે. આટલી ભારે રકમનો ખર્ચ આવનારાં કેટલાંક વર્ષોમાં રેલવેની માળખાકીય સુવિધાને મજબૂત બનાવવા માટે કરવામાં આવશે. જો અર્થતંત્રને શક્તિશાળી બનાવવું હોય તો પરિવહનને મજબૂત કરવું આવશ્યક છે.
વડા પ્રધાન ગતિશક્તિ યોજના અંતર્ગત રેલવે પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. નાણાપ્રધાન દ્વારા બજેટ રજૂ કર્યા પછી રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આ વેળા બજેટમાં મહારાષ્ટ્ર પર પણ ફોકસ કરવામાં આવ્યું છે, ખાસ કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ તેમણે કહ્યું છે કે રાજ્યમાં જ્યારે ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પર્યાપ્ત સહયોગ ન હતો મળ્યો. હવે આ યોજનામાં ગતિ લાવવામાં આવશે અને ખૂબ જલદી કામ થતું પણ જોવા મળશે.
દેશભરનાં 1275 રેલવે સ્ટેશનોને અમૃત મહોત્સવ સ્ટેશન અંતર્ગત વિકસિત કરવામાં આવશે. આ સ્ટેશનોની યાદીમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસનું નામ પણ સામેલ છે. આ સ્ટેશનના વિકાસ માટે હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મુંબઈ મુલાકાતમાં ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ માટે પહેલેથી જ બધી આવશ્યક પરવાનગીઓ મળી ગઈ છે.
કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે રેલવેમાં વિદ્યુતીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ પહાડી વિસ્તારોમાં હજી પણ ડીઝલ એન્જિન પર નિર્ભર રહેવું પડે છે, પણ હવે દેશભરમાં હેરિટેજ રૂટ પર હાઈડ્રોજન ટ્રેન ચલાવવામાં આવશે. કાલકા-શિમલા અને નેરલ-માથેરાન જેવા રૂટ પર ટૉય ટ્રેન ચાલી રહી છે, ત્યાં હાઈડ્રોજન ટ્રેનો ચલાવવામાં આવશે. ડિસેમ્બર, 2023માં દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન તૈયાર થઈ જવાની છે. બજેટમાં હાઈડ્રોજન ઈંધણ પર આધારિત 35 ટ્રેનો ચલાવવાની ઘોષણા કરવામાં આવી છે.
વંદે માતરમ ટ્રેનોની વધતી જતી માગને જોતાં હવે વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે. મેટ્રો શહેરો કે જ્યાંના ઉતારુઓ નિયમિત ધોરણે 100-150 કિલોમીટરનો પ્રવાસ કરે છે ત્યાં વંદે ભારત મેટ્રો ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્રેનો ડેમુ કે મેમુ ટ્રેનોના બદલે ચાલી શકે છે. મુંબઈ-સુરત અને મુંબઈ-પુણે જેવા રૂટ પર આ ટ્રેનોની ટ્રાયલ લીધા પછી આગળ વધી શકાશે.
2023 રેલવે માટે ખૂબ મહત્ત્વનું છે કેમ કે આ વર્ષે તેનું વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થઈ જશે. 2018માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને માત્ર પાંચ વર્ષમાં જ આ કામ પૂર્ણ થઈ રહ્યું છે. નોંધનીય છે કે ફ્રાન્સ, જર્મની જેવા ટેક્નૉલૉજી અને આર્થિક રીતે વિકસિત દેશોમાં પણ રેલવેનું પૂર્ણ વિદ્યુતીકરણ નથી થયું. દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે, જે આ કામ પૂર્ણ કરશે.