• શનિવાર, 25 માર્ચ, 2023

ઈમરાન સામે કાર્યવાહી રોકવા હાઈ કોર્ટનો આદેશ

પોલીસ વિલા મોઢે પરત; કાર્યકરો જોશમાં

લાહોર/ઈસ્લામાબાદ, તા.15 : પાકિસ્તાનમાં જબરો રાજકીય ડ્રામા થયો છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સામે પોલીસ ઝૂકી હોય તેમ અનેક શહેરોમાં હિંસા-ઘર્ષણ વચ્ચે રર કલાકની  બાદ પણ તોશાખાના (સરકારી ખજાનો) કેસમાં વોરન્ટની બજવણી થઈ શકી નહીં અને લાહોર હાઈ કોર્ટે ઈમરાન ખાન સામે પોલીસ કાર્યવાહી રોકી દેવાનો આદેશ કરતા પોલીસ ધરપકડ કર્યા વિના જ વિલા મોઢે પરત ફરી હતી. 

ઈમરાન ખાનના જમાન પાર્ક બંગલેથી પાછી ફરેલી પોલીસે લૂલો બચાવ કર્યો કે દેશમાં 19 માર્ચ સુધી પાકિસ્તાન ક્રિકેટ લીગના મેચ છે જેમાં વિદેશી ખેલાડીઓ પણ રમી રહ્યા છે. તેઓ નથી ઈચ્છતાં કે તેમાં કોઈ અડચણ આવે !  ઈમરાન ખાનની ધરપકડ કરવા મંગળવારે રાત્રે પોલીસ તેમના લાહોર ખાતેના બંગલા ખાતે ધસી ગઈ હતી. જો કે ઈમરાન ખાને ટ્વિટના માધ્યમથી પીટીઆઈ સમર્થકોને ઉમટી પડવા આહવાન આપતાં સ્થિતિ વણસી હતી. દરમિયાન વીડિયો સંદેશામાં ઈમરાન ખાને પોતાની હત્યાની આશંકા દર્શાવી પોતાની ધરપકડને લંડન યોજનાનો ભાગ ગણાવ્યો હતો. 

પોલીસ ધરપકડ કર્યા વિના જ પાછી ફરતાં ઈમરાન ખાનના સમર્થકોએ જશ્ન મનાવ્યો હતો. પાક.મીડિયા અનુસાર પોલીસ અને રેન્જર્સની ટીમ રર કલાક બાદ જમાન પાર્કથી પરત ફરી છે. બીજીતરફ ઈમરાન ખાનના પોલીસ અને સરકાર પર પ્રહાર ચાલુ છે. વીડિયો ફૂટેજ દ્વારા તેમણે દાવો કર્યો કે પોલીસ ગોળીબાર કરી રહી છે. ધરપકડ એક બહાનુ છે. અસલી ઈરાદો તેમની હત્યા કરવાનો છે જેનું કાવતરુ લંડનમાં ઘડાયું હતું. ઈમરાન ખાન હાલ પોતાના બંગલામાં જ નજરકેદ છે. પોલીસ તેમની ધરપકડ માટે આવી તો તેમના સમર્થકોએ પોલીસ ઉપર પેટ્રોલ બોંબ ઝીંકયા હતા. હિંસક અથડામણ વચ્ચે અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ યોજાયા  હતા. પોલીસે ટીયરગેસ, વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.