• શનિવાર, 25 માર્ચ, 2023

ભૂખથી પરેશાન પાકિસ્તાને ખેતી માટે સેના ઉતારી  

કૉર્પોરેટ કૃષિ માટે 45 હજાર એકર જમીન સેનાને હવાલે

ઈસ્લામાબાદ, તા. 17 : પાકિસ્તાન વર્તમાન સમયે બમણા સંકટનો સામનો કરી રહ્યું છે. એક તરફ આર્થિક હાલત બદતર બની છે. તો બીજી તરફ ઈમરાન ખાનના મામલામાં પૂરી દુનિયામાં પાકિસ્તાનની વ્યવસ્થા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. પાકિસ્તાની લોકો અનાજના એક એક દાણા માટે વલખા મારી રહ્યા છે અને પાકિસ્તાન સરકાર આર્થિક મદદ માટે દુનિયાભરના દેશો સામે હાથ ફેલાવી રહ્યું છે. આ તમામ સંકટ વચ્ચે હાથમાં હથિયારો પકડનારી પાકિસ્તાની સેનાએ ખેતી કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની પંજાબ સરકારે સેનાને 45 એકર જમીન આપી છે. જેમાં તે કોર્પોરેટ એગ્રિકલ્ચર ફાર્મિંગ કરશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેના દુનિયાભરમાં ઘણી વખત બદનામી કરાવી ચૂકી છે. સાથે જ ભૂતકાળમાં ભારત સામે હારનો પણ સામનો કરવો પડયો છે.

પાકિસ્તાની સેનાને ખેતીની મંજૂરી એટલે આપવામાં આવી છે કે પાકના ઉત્પાદનને વધારી શકાય. આ પૂરો પ્રોજેક્ટ સંયુક્ત સાહસ હશે. સશત્ર દળોના સૂત્રોના કહેવા પ્રમાણે પરિયોજનાને સફળ બનાવવા માટે સેના પ્રબંધન સ્તર ઉપર એક ભૂમિકા ભજવશે. જો કે ભૂમિનું સ્વામિત્વ સ્થાનિક સરકાર પાસે યથાવત્ રહેશે. સેનાને કોર્પોરેટ કૃષિથી પ્રાપ્ત થનારા રાજસ્વમાં કોઈ લાભ મળી શકશે નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભક્કર, ખુશાબ અને સાહીવાલ જિલ્લામાં 45267 એકર જમીનમાં કોર્પોરેટ ખેતી શરૂ કરવામાં આવશે. આ પરિયોજનાને અલગ અલગ તબક્કામાં પૂરી કરવામાં આવશે. 

ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને કૃષિ ભૂમિમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સેના દર વર્ષે ભૂમિકા ભજવે છે. ભૂતકાળમાં પાકિસ્તાની સેના કારાકોરમ હાઇ-વે નિર્માણ જેવા રાષ્ટ્રીય મહત્ત્વની પરિયોજનામાં પણ હિસ્સો આપી ચૂકી છે. હવે કૃષિ ઉપજ વધારવા માટે સેના દ્વારા કામગીરી કરવામાં આવશે. જો કે પાકિસ્તાની સેના પરિયોજનામાં માત્ર સુવિધા જ પહોંચાડશે. પ્રોજેક્ટમાં અન્ય કોર્પોરેટ કંપનીઓ પણ સામેલ છે. પરિયોજના હેઠળ પંજાબ પ્રાંતની સુકી જમીનનો ઉપયોગ કરવામાં આવશે.