એનઆઇએએ યાદી જારી કરી માગી પ્રૉપર્ટીની જાણકારી
નવી દિલ્હી, તા. 20 : દેશમાં આતંકવાદીઓ અને કુખ્યાત શખસો ઉપર સતત થઈ રહેલી કાર્યવાહી વચ્ચે એનઆઈએએ વધુ એક પગલું ભર્યું છે. જેમાં 43 કુખ્યાત અપરાધીઓની તસવીર જારી કરવામાં આવી છે. આ સાથે જ અપીલ કરવામાં આવી છે કે આ ગેંગસ્ટરોના વ્યાપાર, સંપત્તિ સહિત કોઈપણ વિગત કોઈ વ્યક્તિ પાસે હોય તો તે એનઆઇએને પહોંચાડવામાં આવે. હકીકતમાં જે આરોપીઓની તસવીર જારી કરવામાં આવી છે. તેમાંથી ઘણા ભારતની જેલમાં બંધ છે અને ઘણા ભારતમાંથી ફરાર થઈને વિદેશમાં ભારત વિરુદ્ધ આતંક ફેલાવી રહ્યા છે. એનઆઇએ દ્વારા અપરાધીઓની કમર તોડવા માટે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભારતની જેલમાં બંધ ઘણા અપરાધીઓની જેલ બદલવાની પણ માગ કરવામાં આવી છે જ્યારે ગેંગવોર, વસૂલી અને અન્ય અપરાધની સંગઠિત સંપત્તિને પણ સીઝ કરીને અપરાધીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે એનઆઇએએ લોકો પાસેથી 43 બદમાશોની સંપત્તિની જાણકારી માગી છે. જેથી આગળની કાર્યવાહી કરવામાં આવી શકાય. આ યાદીમાં અર્શદીપ ડાલા, લખબીર લાંડા, ગોલ્ડી બરાડ, લોરેન્સ બિશ્નોઈ, જસદીપ સિંહ ઉર્ફે જગ્ગુ ભગવાનપુરીયા, અનમોલ બિશ્નોઈ વગેરે સામેલ છે.