• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

મોદી નારાજ થાય એવું દીદી કંઈ નહીં કરે : કૉંગ્રેસ

નવી દિલ્હી, તા. 22 : પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી છાશવારે ભાજપ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાક પ્રહાર કરતા રહ્યા છે પરંતુ કોંગ્રેસે દાવો કર્યો છે કે મમતા બેનર્જી એવું કંઈ નહીં કરે જેથી વડાપ્રધાન મોદી નારાજ થાય ! આ પહેલા તૃણમૂલે કોંગ્રેસ પર એકલા ચલો રે...ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. 

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધતાં કહ્યું કે મોદી અને મમતા બેનર્જી વચ્ચે એક સમજ છે. બન્ને એક વિચારનું વ્યક્તિત્વ છે. મમતા બેનર્જી એવું કંઈ નહીં કરે જેથી વડાપ્રધાન મોદી નારાજ થાય જ્યારે મોદી એવું કહે કે ભારત કોંગ્રેસ મુક્ત છે તો મમતા પણ એવું કહે છે કે બંગાળથી કોંગ્રેસને હટાવી દેવા જોઈએ. અનેક લોકો ભારત જોડો યાત્રાને બિરદાવી રહયા છે પરંતુ આ બન્નેને નહીં સમજાય. તેમણે કહ્યંy કે તે મો-મો છે.

બીજીતરફ મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસ પર `એકલા ચલો રે' ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. તેલંગાણામાં મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવની વિપક્ષી નેતાઓની રેલીમાં જોડાયેલા ટીએમસી નેતા કૃણાલ ઘોષે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ 2024ની ચૂંટણી પહેલા એકલા ચલોની રાહ પર છે. મમતા બેનર્જીએ વિપક્ષી દળોની એક સમન્વય ટીમ અને અન્ય રાજ્યોમાં સંયુક્ત કાર્યક્રમની પહેલ કરી હતી પરંતુ કોંગ્રેસે કોઈ જવાબ આપ્યો ન હતો.