• શુક્રવાર, 29 માર્ચ, 2024

સેરૌ વિસ્તારમાં સામસામો ગોળીબાર : ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ લંબાવાયો  

મણિપુર હિંસામાં એક જવાન શહીદ, બે ઘાયલ 

મણિપુર, તા. 6 : છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં સુરક્ષાદળોની ચાંપતી નજર વચ્ચે પણ અલગ અલગ વિસ્તારોમાંથી હિંસાના સમાચાર મળી રહ્યા છે. સેના તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર મણિપુરના સેરૌ વિસ્તારમાં ગોળીબારને લીધે બીએસએફના એક સૈનિક શહીદ થયા હતા જ્યારે આસામ રાઈફલ્સના બે સૈનિકો ઘાયલ થયા હતા.  

સેનાના દિમાપુર ખાતે આવેલા મુખ્યાલયે ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી કે, સુગનૂ/સેરૌ વિસ્તારમાં અસમ રાઈફલ્સ, બીએસએફ તથા પોલીસ દ્વારા ચાલી રહેલા વ્યાપક અભિયાન દરમ્યાન રાત્રે સુરક્ષા દળો અને વિદ્રોહીઓ વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. સુરક્ષાદળો દ્વારા ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. મણિપુરમાં હિંસાને પગલે પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં માટે સુરક્ષાદળોને કડક કાર્યવાહી કરવા માટે સરકારે લીલીઝંડી આપી છે. તેમ છતાં રાજ્યમાં ઉપદ્રવીઓ સતત હિંસા થઇ રહી છે. આ હિંસામાં અત્યાર સુધી 70થી વધુ લોકોના મોત થયા છે. રાજ્યમાં હિંસાને લઈને ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ 10મી જૂન સુધી લંબાવી દેવાયો છે.