• શુક્રવાર, 29 માર્ચ, 2024

દ્વારકાનો સિગ્નેચર પુલ, મેટ્રો પ્રોજેક્ટ તથા નર્મદાનાં કામ હવે શંકાના ઘેરામાં  

બિહારમાં એ નબળો પુલ બનાવતી કંપની પાસે ગુજરાતમાં પ્રોજેક્ટ 

નવી દિલ્હી, તા. 6 : બિહારના ભાગલપુરમાં એક વર્ષમાં બીજી વખત રવિવારે નિર્માણાધીન પુલ તૂટી પડતાં તેની ગુણવત્તા તથા તેના નિર્માણ સાથે જોડાયેલી એસપી સિંગલા કંસ્ટ્રકશન પ્રા. લિ. કંપની પર સવાલ ઊભા થયા છે.

ગંગા નદી પર નિર્માણાધીન આ પુલ બનાવતી કંપની પાસે ગુજરાતમાં પણ કેટલાક મહત્ત્વની યોજનાનું કામ છે, જેમાં બેઠ દ્વારકાને ઓખાથી જોડતા સિગ્નેચર પુલનું કામ તથા વડોદરાના સિનોરમાં નર્મદા નદી પર પુલ નિર્માણ તથા સદ્ભાવ એન્જિનીયરિંગ લિ. સાથે મળીને ડ્રીમ સિટીનું કામ પણ અપાયું છે. તે ઉપરાંત સુરતમાં મહત્ત્વાકાંક્ષી મેટ્રોના પહેલા ચરણનું કામ અને 10 મેટ્રો સ્ટેશન બનાવવા જેવા પ્રોજેક્ટ પણ આ જ કંપની પાસે છે. એક મીડિયા અહેવાલમાં સરકારી અધિકારીઓને ટાંકીને જણાવાયું હતું કે, બિહારની ઘટના બાદ ગુજરાતમાં વિવિધ પરિયોજનાઓ સાથે સંકળાયેલી આ કંપનીના કામની ગુણવત્તા હવે શંકાના ઘેરામાં છે.