• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

અૉસ્ટ્રેલિયામાં ત્રીજી વખત ખાલિસ્તાન સમર્થકોનો મંદિર પર હુમલો

કેનબેરા, તા.23 : આ સમયે ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે. ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નના આલ્બર્ટ પાર્ક સ્થિત હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે. મેલબોર્નમાં છેલ્લા 15 દિવસમાં મંદિર પર આ ત્રીજો હુમલો છે. ઇસ્કોન મંદિર, જેને હરે કૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મેલબોર્ન એ ભક્તિ યોગ ચળવળનું જાણીતું કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિરના મેનેજમેન્ટને જાણવા મળ્યું કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ જેવા નારા પણ લખવામાં આવ્યા હતા. 

ઇસ્કોન મંદિરના કોમ્યુનિકેશન ડાયરેક્ટર ભક્ત દાસે જણાવ્યું હતું કે, ``અમે પૂજા સ્થળના આદર પ્રત્યેની આ સ્પષ્ટ અવગણનાથી આઘાત અને ગુસ્સે છીએ.'' શિવેશ પાંડે, આઇટી કન્સલ્ટન્ટ અને ઇસ્કોન મંદિરના ભક્તે કહ્યું, `છેલ્લા બે અઠવાડિયામાં, વિક્ટોરિયા પોલીસ શાંતિપૂર્ણ હિંદુ સમુદાય વિરુદ્ધ તેમના નફરતનો એજન્ડા ચલાવી રહેલા લોકો સામે કોઈ નિર્ણાયક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.' ખાલિસ્તાન સમર્થકોએ અગાઉ 12 જાન્યુઆરીએ મંદિર પર હુમલો કર્યો હતો. તેના માત્ર 5 દિવસ બાદ વધુ એક મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ પહેલા 17 જાન્યુઆરીએ ખાલિસ્તાની સમર્થકોએ વિક્ટોરિયાના કેરમ ડોન્સ સ્થિત શિવ વિષ્ણુ મંદિર પર હુમલો કર્યો હતો.