• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

રાજ્યપાલ કોશિયારીએ રાજીનામું આપવાની ઇચ્છા વ્યકત કરી

વડા પ્રધાન સમક્ષ

મુંબઈ, તા.23 :  મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. પોતાને પદમુકત થવું છે એમ તેમણે નક્કી કરી લીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગત ગુરુવારની મુંબઈ મુલાકાત દરમિયાન રાજ્યપાલ કોશિયારીએ મોદીને જણાવ્યું હતું કે હવે તેઓ રાજકીય જવાબદારીમાંથી મુકત થઇને બાકીનું જીવન અધ્યયન, મનન તથા ચિંતન કરી પસાર કરવા માગે છે. આ મામલે રાજ ભવને જારી કરેલી પ્રસિદ્ધિમાં રાજ્યપાલ કોશિયારીએ માહિતી આપી હતી.

પ્રસિદ્ધિ પત્રકમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર જેવા સંત, સમાજસુધારક અને શૂરવીરોની મહાન ભૂમિનો રાજ્ય સેવક, રાજ્યપાલ બનવાનું બહુમાન મળવું મારે માટે અહોભાગ્ય છે. ગત ત્રણ વર્ષથી વધુ સમય રાજ્યની જનતાનો પ્રેમ કયારેય ભૂલી શકાશે નહીં. માનનીય વડા પ્રધાનની હાલમાં જ થયેલી મુંબઈ મુલાકાત દરમિયાન મેં રાજકીય જવાબદારીઓમાંથી મુકત થઇને બાકીનું જીવન અધ્યાત્મમાં પસાર કરવાની ઇચ્છા વ્યકત કરી હતી.