• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

દિગ્વિજય સિંહે ફરી માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા 

કૉંગ્રેસ ફરીથી કરે છે સેના અને ભારતનું અપમાન

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 23 : કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના સર્જિકલ સ્ટ્રાઈકના નિવેદન અંગે ભાજપે કૉંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે પાર્ટીએ `દેશપ્રેમ' ગુમાવી દીધો છે.

દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે સરકારે 2016માં ભારતે પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખા પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ના પુલવામાના આતંકવાદી હુમલાના કોઈ પુરાવા ઉપરાંત અહેવાલો પણ  આપ્યા નથી, જેમાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. 

નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આક્ષેપ ર્ક્યો હતો કે દિગ્વિજય સિંહની ટિપ્પણી ભારતના લોકો અને ભારતીય સૈન્યના અપમાન સમાન છે. ભારતના લોકો ભારતીય સુરક્ષા દળોના વિરોધમાં બોલનારા કોઈને પણ સાંખી નહીં લે.  ભારત જોડો યાત્રા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં જાહેરસભાને સંબોધતાં દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, ``તેઓ સર્જિકલ સ્ટ્રાઈકની અને એમાં પાકિસ્તાનમાં ઘણાં આતંકવાદીઓનો ખાતમો ર્ક્યો હોવાની વાત કરે છે, પરંતુ એના કોઈ પુરાવા નથી. સરકાર જુઠાણાની મદદથી સરકાર ચલાવી રહી છે. સરકારે 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અથવા 2019ના પુલવામાના આતંકવાદી હુમલા વિશે સંસદમાં એકપણ રિપોર્ટ રજૂ ર્ક્યો નથી.''

બેજવાબદારીભર્યા બયાન કરવા એ કૉંગ્રેસની લાક્ષણિકતા છે, એવું કહીને ગૌરવ ભાટિયાએ આક્ષેપ ર્ક્યો હતો કે ભારતીય લશ્કરે એ સમયે આ વિશે સ્પષ્ટતા આપી દીધી હતી અને એના પર વિશ્વાસ હોવો જોઈએ. ગૌરવ ભાટિયાએ એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ફક્ત નામ પૂરતી છે, એનો વાસ્તવિક હેતુ પ્રેમ અને શાંતિનો ફેલાવો કરવાને બદલે ભારતને તોડવાનો છે. 

પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે, દિગ્વિજય સિંહનું કહેવું છે કે સૈન્યએ સર્જિકલ સ્ટ્રાઈકના કોઈ પુરાવા રજૂ કર્યા નથી. એમ કહીને કૉંગ્રેસ આપણા સુરક્ષા દળોની બહાદુરી પર સવાલ ઊઠાવી રહી છે. આપણી રક્ષા કરતા લોકો પર તેમને વિશ્વાસ નથી. પ્રસિદ્ધિમાં રહેવા માટે બેજવાબદારી ભર્યા બયાન કરવા એ કૉંગ્રેસનું ચરિત્ર છે. પરંતુ તમે ભારતીય લશ્કરની વિરુદ્ધમાં બોલશો તો દેશ એ ચલાવી નહીં લે, એવું તેમણે ઉમેર્યું હતું. જ્યારે પણ આપણું સૈન્ય વીરતા દર્શાવે છે, ત્યારે એની પીડા કૉંગ્રેસને થાય છે એ દુર્ભાગ્યપૂર્ણ છે,એવું પણ ગૌરવ ભાટિયાએ કહ્યું હતું.

દિગ્ગિરાજા શું બોલ્યા?

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ના પુલવામા હુમલા અંગે કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવી સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતા. ભાજપે પલટવાર કરતાં કહ્યું કે સુરક્ષાદળો વિરુદ્ધ બોલનારા કોઈને પણ દેશ બર્દાશ્ત કરશે નહીં. 

જમ્મુમાં આજે દિગ્વિજયે કહ્યું હતું કે સરકારે હજુ સુધી સર્જિકલ સ્ટ્રાઈકના કોઈ પુરાવા આપ્યા નથી. કેન્દ્ર સરકાર આ સ્ટ્રાઈક વિશે કહેતી રહી છે કે અમે આટલા લોકોનો ખાત્મો કર્યો  પરંતુ પુરાવા આપી રહી નથી. તેમણે 2019ના પુલવામા હુમલા અંગે દાવો કર્યો હતો કે પુલવામા હુમલા વખતે સીઆરપીએફ અધિકારીઓએ જવાનોને વિમાનથી મોકલવાની માંગ કરી હતી જે વડાપ્રધાને માની ન હતી. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.