અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 24: અમદાવાદ સહિત અનેક આઈઆઈએમની ડિઝાઈન તૈયાર કરનારા અને પદ્મશ્રી તેમ જ પદ્મભૂષણથી સન્માનિત વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનુ આજે બપોરે અમદાવાદ સ્થિત તેમના નિવાસે 95 વર્ષની વયે નિધન થયું હતું.
તેમના અવસાનના પગલે ભારતમાં સ્થાપત્ય ક્ષેત્રના એક સિતારાનો અસ્ત થયો છે. અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન કમલા હાઉસથી નીકળી હતી અને તેમના અંતિમ સંસ્કાર થલતેજ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા. આ દુ:ખદ અવસરે તેમના પરિવારજનો, નજીકના સગા-સંબંધીઓ, મિત્રો અને તેમના ચાહકોએ હાજર રહી અંજલિ અર્પી હતી.
આ દુ:ખદ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે બી. વી. દોશી એક તેજસ્વી આર્કિટેક્ટ અને નોંધપાત્ર ઇન્સ્ટિટ્યુશન બીલ્ડર હતા. આગામી પેઢી ભારતભરમાં તેમના સમૃદ્ધ કાર્યોની પ્રશંસા કરતા તેમની મહાનતાને ઝાંખી શકશે. તેમના પરિવાર અને ચાહકોને સાંત્વના પાઠવું છું.
જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વ વિખ્યાત આર્કિટેક્ટ, પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા, `પદ્મભૂષણ' બાલકૃષ્ણ દોશીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો, અસંખ્ય ચાહકો અને શિષ્યોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
બી. વી. દોશીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવાં શહેરોની ડિઝાઈન બનાવી હતી. આ ઉપરાંત અમદાવાદની ઓળખ ગણાતા આઈઆઈએમના આર્કિટેક્ટ હતા. સ્વ. દોશી આઈઆઈએમ-એ ઉપરાંત અમદાવાદની ગુફા, ફ્લેમ યુનિવર્સિટી, આઈઆઈએમ ઉદયપુર, આઈઆઈએમ બેંગલોર, નિફ્ટ દિલ્હી, સેપ્ટ યુનિવર્સિટીની ડિઝાઈનમાં પણ યોગદાન આપ્યું હતું. અમદાવાદમાં શ્રેયસ સ્કૂલ, સેપ્ટ યુનિવર્સિટી, અટીરા ગેસ્ટ હાઉસ, પ્રેમાભાઈ હૉલ, ટાગોર હૉલ, અમદાવાદની ગુફા, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ વગેરે તેમની જાણીતી ડિઝાઈન્સ છે. તેમનો જન્મ 1927માં પુણેમાં થયો હતો.
તેમણે ચાર વર્ષ સુધી પેરિસમાં લે કોર્બુઝિયર સાથે વરિષ્ઠ ડિઝાઈનર (1951-55) તરીકે કામ કરતા હતા. સ્વ. દોશીએ લુઈ કાહ્ન સાથે સહયોગી તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ અૉફ મૅનેજમેન્ટ, અમદાવાદના ભવનનું કામ કર્યું હતું અને એક દાયકા સુધી તેઓ જોડાયેલા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે યુકેનો રૉયલ ગૉલ્ડ મૅડલ આર્કિટેક્ચર માટેનુ વિશ્વનું સૌથી સર્વોચ્ચ સન્માન તેમને પ્રાપ્ત થયું હતું.