• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલ દિગ્ગીનો અંગત અભિપ્રાય : રાહુલ  

કૉંગ્રેસને સેના પર ભરોસો, ગૌરવ

નવી દિલ્હી, તા. 24: કોંગ્રેસનાં નેતા દિગ્વિજયસિંહે ફરી એકવાર સરહદ પાર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ ભાજપનાં નિશાને કોંગ્રેસ આવી ગયો છે. ભાજપનાં પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, દેશની સુરક્ષા સંબંધિત મામલે કોંગ્રેસે પોતાનો અભિગમ સ્પષ્ટ કરવો જોઈએ. દેશની સુરક્ષા મામલે ભાજપ અને તેની સરકાર ઉપર જૂઠ બોલવાનાં દિગ્ગીનાં આરોપ પછી ભાજપનાં આક્રમણ સામે કોંગ્રેસ સ્વબચાવમાં આવી ગયો છે.

 ભારત જોડો યાત્રા દરમિયાન એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે, દિગ્વિજય સિંહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચાર તેમનો નિજી મત હોઈ શકે છે. સેનાનાં કાર્ય માટે સબૂતની આવશ્યતા નથી હોતી. તેમનાં વિચાર કોંગ્રેસનું વલણ દર્શાવતા નથી.  કોંગ્રેસનાં મહાસચિવ જયરામ રમેશે એક ટ્વિટમાં દિગ્વિજયસિંહનાં નિવેદનથી પક્ષને અળગો પાડતા લખ્યું હતું કે, વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચાર તેમનાં અંગત છે. તે કોંગ્રેસનું વલણ પ્રદર્શિત કરતાં નથી.