• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

હૈદરાબાદ યુનિ.માં ફિલ્મ બતાડાઈ : જેએનયુમાં અટકાવાઈ, બત્તી ગુલ  

મોદી પર બીબીસીની વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટ્રી ઉપર પ્રતિબંધ છતાં

નવીદિલ્હી, તા.24: બીબીસીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરની ડોક્યુમેન્ટ્રી ફિલ્મનો વિવાદ થંભી રહ્યો નથી. ભારત સરકારે આ ફિલ્મ અને તેની વીડિયો ક્લિપને યુ-ટયુબ અને ટ્વિટર જેવાં પ્લેટફોર્મ ઉપર પ્રદર્શિત થતી પ્રતિબંધિત કરવાનો નિર્દેશ આપ્યા છે. તેમ છતાં દિલ્હીથી લઈને હૈદરાબાદની શિક્ષણ સંસ્થાઓમાં આ ફિલ્મ મુદ્દે રાજનીતિ સળગી ગઈ છે. જેએનયુ યુનિવર્સિટીમાં આજે રાતે આ ફિલ્મનું ક્રીનિંગ થવાનું હતું પણ પ્રશાસને શાંતિ ભંગ થવાની આશંકા દર્શાવીને તેના ઉપર રોક લગાવી છે અને રાત્રે બત્તી ગુલ થતાં ક્રિનિંગ અટકાવી દેવાયું હતું. તો બીજીબાજુ કેન્દ્ર સરકારના આદેશ પછી પણ હૈદરાબાદ યુનિવર્સિટીનાં પરિસરમાં આ વિવાદિત ફિલ્મ દેખાડવામાં આવી હતી. 

આવી જ રીતે કેરળમાં સત્તારૂઢ સીપીઆઇ(એમ)ની યુવા પાંખ ડીવાયએફઆઇએ પણ આ વિવાદિત ફિલ્મ `ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન' દેખાડવામાં આવશે. આ ઉપરાંત કેરળમાં કોંગ્રેસ સંલગ્ન સંગઠનો દ્વારા પણ રોક છતાં આ ફિલ્મ દેખાડવાની ઘોષણાઓ કરવામાં આવી છે.

કેન્દ્રની રોક છતાં હૈદરાબાદ યુનિવર્સિટીમાં આ ફિલ્મનાં ક્રીનિંગ પછી છાત્ર સંઘ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, તેના તરફથી આમાં કંઈ ખોટું થયું નથી. બીજીબાજુ એબીવીપીની ફરિયાદ ઉપર પ્રશાસને કાર્યવાહી કરવાની વાત કરી છે. 

જેએનયુની વાત કરવામાં આવે તો ત્યાં આ ફિલ્મના ક્રીનિંગ માટે પેમ્ફલેટ વિતરિત કરવામાં આવ્યાં હતાં. જેમાં આજે રાતે ફિલ્મ પ્રદર્શિત કરવાની જાહેરાત હતી. યુનિવર્સિટી પ્રશાસને કહ્યું હતું કે, આવાં આયોજન માટે કોઈ અનુમતી લેવામાં આવી નથી અને ગેરકાયદે ગતિવિધિથી શાંતિ અને સદ્ભાવનો ભંગ થઈ શકે છે. જેથી આ કાર્યક્રમ તુરંત રદ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. 

કેરળમાં સીપીઆઇ(એમ)ની વિદ્યાર્થી પાંખ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા(ડીવાયએફઆઈ) દ્વારા ફેસબૂક ઉપર જાહેરાત કરવામાં આવી છે કે, રાજ્યમાં બીબીસીના આ ડોક્યુમેન્ટ્રી દેખાડવામાં આવશે. આ ઉપરાંત એમસીપી સંબંધિત ડાબેરી છાત્ર સંગઠન એસએફઆઈ અને યુવા કોંગ્રેસે પણ આ મતલબની જ જાહેરાતો કરી છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી(કેપીસીસી)ની લઘુમતી પાંખે પણ ગણતંત્ર દિવસે રાજ્યનાં તમામ જિલ્લા મુખ્યાલયોમાં આ ફિલ્મ પ્રદર્શિત કરવાની ઘોષણા કરી છે. ભાજપે આને રાજદ્રોહ ગણાવીને મુખ્યમંત્રી તત્કાળ હસ્તક્ષેપ કરે તેવી માગણી ઉઠાવી છે.