• શનિવાર, 20 એપ્રિલ, 2024

કૅનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનો દેશનિકાલ કરવા પર સ્ટે

વિઝા ફ્રોડનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ અંગેના નિર્ણયનું સ્વાગત 

નવી દિલ્હી, તા. 11 : કેનેડાથી દેશનિકાલની આશંકા ધરાવતા અમુક ભારતીય વિદ્યાર્થીઓના મામલામાં ભારતની સતત કોશિશ સફળ રહી છે. વિદ્યાર્થીઓને સ્ટે ઓર્ડર મળ્યો છે. જેથી તેઓને હવે ડિપોર્ટ કરવામાં આવશે નહીં. વિદેશપ્રધાન એસ જયશંકરે આ મામલે કેનેડાના વિદેશપ્રધાન સાથે વાત કરી હતી. સાથે વિદેશ મંત્રાલય અને ટોરોન્ટોના ભારતીય રાજદૂત તરફથી પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. કેનેડાને કહેવામાં આવ્યું હતું કે, આ બનાવમાં છાત્રોની ભૂલ નથી તેમની સાથે છેતરપિંડી થઈ છે. જેનાં કારણે માનવીય અભિગમ અપનાવવામાં આવે.

ભારત તરફથી સ્ટેના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. જો કે મીડિયામાં 700 વિદ્યાર્થીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે પણ આ સંખ્યા ઘણી ઓછી છે. આ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના 2017-19મા કેનેડા ગયા હતા. પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમાંથી અમુકે વર્ક પરમિટ લીધી હતી અને અમુક કેનેડામાં અભ્યાસ જારી રાખ્યો હતો. ભારત આ મામલે કેનેડાના અધિકારીઓ સામે ઉઠાવતું રહ્યું છે. વિદેશપ્રધાને અગાઉ એપ્રિલ મહિનામાં પણ આ મામલે વાતચીત કરી હતી તેમજ ભારતીય દૂતાવાસમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી.