• શનિવાર, 25 માર્ચ, 2023

આજથી ડબ્લ્યુપીએલ : મહિલા ક્રિકેટના નવા યુગનો આરંભ

મુંબઇમાં 23 દિવસ દરમિયાન પાંચ ટીમ વચ્ચે 22 મૅચની ટક્કર: 26 માર્ચે ફાઇનલ મુકાબલો  :  આજે પ્રારંભિક મૅચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટસની ટીમ આમને-સામને

મુંબઇ, તા. 3 : મહિલા ક્રિકેટના નવા યુગનો આવતીકાલ તા. 4 માર્ચ પ્રારંભ થશે. બીસીસીઆઇ આયોજિત મહિલા આઇપીએલ એટલે કે વિમેંસ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)નું મુંબઇમાં શુક્રવારથી બ્યૂગલ ફૂંકાશે. 23 દિવસ સુધી રમાનાર આ ટી-20 મહિલા લીગમાં પાંચ ટીમ વચ્ચે ફાઇનલ સહિત કુલ 22 મેચની ટક્કર થશે. ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન મેચ નવી મુંબઇના ડી. વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે સાંજે 7-30થી શરૂ થશે. જેમાં ગુજરાત જાયન્ટસ સામે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ હશે. આ પહેલા સાંજે 6-00 વાગ્યાથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં બોલિવૂડ હિરોઇનો કિયારા અડવાણી અને ક્રીતિ સનોન સહિતના કલાકારો કાર્યક્રમ રજૂ કરશે. ડબ્લયૂપીએલની પહેલી સિઝનમાં પાંચ ટીમ છે. જેમાં દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત જાયન્ટસ અને યૂપી વોરિયર્સ છે. લીગના તમામ 22 મેચ મુંબઇના બે સ્ટેડિયમ બ્રેબોર્ન અને ડીવાય પાટીલ સ્ટેડિયમ પર રમાશે. 

દિલ્હીની ટીમની કપ્તાન ઓસ્ટ્રેલિયાની વિશ્વ વિજેતા કેપ્ટન મેગ લેનિંગ છે જ્યારે મુંબઇની ટીમનું કમાન ભારતીય ટીમની સુકાની હરમનપ્રિત કૌર સંભાળશે. ડબ્લ્યૂપીએલની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના આરસીબીની કેપ્ટન છે. સ્મૃતિ પર આ ટીમે 3.40 કરોડનો બોલી લગાવી હતી. ગુજરાત જાયન્ટસની કેપ્ટન બેથ મૂની છે. જે પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે. યૂપીની સુકાની એલિસા હિલી છે. તે પણ ઓસ્ટ્રેલિયાની ટીમની છે.

ડબ્લ્યૂપીએલના તા. 4 માર્ચથી 21 માર્ચ દરમિયાન લીગ સ્ટેજના 20 મેચ રમાશે. દરેક ટીમ એક બીજા સામે બે-બે મેચ રમશે. આથી દરેક ટીમને 8-8 લીગ મેચ રમવાની તક મળશે. પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાન પર રહેનાર ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે જ્યારે બીજા અને ત્રીજા નંબરની ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. જેમાં વિજેતા બનનાર ટીમ ફાઇનલમાં રમશે. ડબ્લ્યૂપીએલમાં 4 ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ છે. ત્યારે બપોરના મેચ 3-30થી શરૂ થશે અને સાંજના તમામ મેચ 7-30થી રમાશે. ટુર્નામેન્ટ દરમિયાન તા. 17 અને 19મીએ રેસ્ટ ડે હશે. કારણ કે એ દરમિયાન ભારત-ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમ વચ્ચે વન ડે શ્રેણીના મેચ હશે.

ટૂર્નામેન્ટના તમામ મેચનું જીવંત પ્રસારણ ટીવી ચેનલ સ્પોર્ટસ-18 પરથી થશે. જે રીલાયન્સ જૂથની કંપની વાયકોમ-18ની સ્પોર્ટસ ચેનલ છે. જિઓ સિનેમા એપ પરથી પણ ફ્રીમાં લાઇવ સ્ટ્રીમિંગ થશે. વાયકોમે બીસીસીઆઇ પાસેથી પાંચ વર્ષના મીડિયા અધિકાર માટે 951 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

ડબ્લ્યૂપીએલના મેચોમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી મળશે તેવી બીસીસીઆઇએ જાહેરાત કરી છે. આ માટે મહિલા દર્શકોએ જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને બૂકમાયશો વેબસાઇટ પરથી અગાઉથી સિટ બૂક કરાવવાની રહેશે. જયારે પુરુષ દર્શકો માટે ટિકિટનો દર ફકત 100 રાખવામાં આવ્યો છે.