• શનિવાર, 25 માર્ચ, 2023

અૉગસ્ટમાં આયર્લેન્ડનો પ્રવાસ કરશે ટીમ ઈન્ડિયા  

ત્રણ મૅચની ટી20 શ્રેણી રમશે 

નવી દિલ્હી, તા. 17 : ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ચાલુ વર્ષના ઓગસ્ટ મહિનામાં આયર્લેન્ડનો પ્રવાસ કરશે. આ જાણકારી ક્રિકેટ આયર્લેન્ડ દ્વારા આપવામાં આવી છે. ભારતીય ટી20 ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડયાએ ગયા વર્ષે પણ આયર્લેન્ડમાં બે મેચની શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.

ક્રિકેટ આયર્લેન્ડે કહ્યું છે કે આયર્લેન્ડના ક્રિકેટ પ્રશંસક દુનિયાની નંબર વન ટી20 આંતરરાષ્ટ્રીય ટીમ ભારતને જોવાની મજા માણી શકશે જ્યારે એશિયાના શીર્ષ ખેલાડીઓ ચાલુ વર્ષે ઓગષ્ટ મહિનામાં ત્રણ મેચની ટી20 શ્રેણી માટે માલાહાઈડ પરત ફરશે. ભારતે પોતાની ધરતી ઉપર ચાલુ વર્ષે વનડે વિશ્વકપ રમવાનો છે. તેવામાં બીસીસીઆઈ હાર્દિક પંડયાને શ્રેણીમાં ઉતારવાનું જોખમ લેશે કે નહી તે સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણીનું વિશ્વકપ માટે ખાસ મહત્ત્વ નથી. આ શ્રેણી આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડ માટે મહત્ત્વની છે કારણ કે તેના પ્રસારણ રાજસ્વથી આર્થિક સ્થિતિમાં ફાયદો થઈ શકે છે. શ્રેણીનું આયોજન 18થી 23 ઓગસ્ટના રોજ થવાનું છે.