• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

વિન્ડિઝ સામે ભારતનો સતત 13મો વન ડે શ્રેણી વિજય  

200 રનથી શાનદાર જીત : ત્રીજી અને નિર્ણાયક વન ડે મૅચમાં ભારતના 351 સામે વેસ્ટ ઇન્ડિઝનો 151 રનમાં ધબડકો : ઠાકુરની ચાર અને મુકેશની ત્રણ વિકેટ

તારોબા (ત્રિનિદાદ) તા.2 : વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાએ સતત 13મી વન ડે શ્રેણી જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ત્રીજા અને નિર્ણાયક વન ડે મુકાબલામાં ભારતનો 200 રને એકતરફી વિજય થયો હતો. કેરેબિયન ધરતી પર રન અંતરથી ભારતની આ સૌથી મોટી વન ડે જીત નોંધાઇ છે. આ પહેલા ટીમ ઇન્ડિયાનો 2022માં વેસ્ટ ઇન્ડિઝને તેનાં જ ઘરમાં 119 રને હાર આપી હતી. ત્રણ અર્ધસદી સાથે કુલ 184 રન કરનાર ઇશાન કિશન પ્લેયર ઓફ સિરીઝ બન્યો હતો જ્યારે 85 રન અને બે કેચ લેનાર શુભમન ગિલ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. 

ભારતના 50 ઓવરમાં 5 વિકેટે 351 રનના મજબૂત સ્કોર સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમનો 35.3 ઓવરમાં 151 રનમાં ધબડકો થયો હતો. ભારતની કાતિલ બોલિંગ સામે વેસ્ટ ઇન્ડિઝના 7 ખેલાડી સિંગલ ફીગરમાં આઉટ થયા હતા. સૌથી વધુ 32 રન એલેક એથરાજે કર્યા હતા જ્યારે પૂંછડિયા ખેલાડી અલ્જારી જોસેફે 26 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 37 રનમાં 4 અને મુકેશકુમારે 30 રનમાં 3 વિકેટ ઝડપીને કાતિલ ઝડપી બોલિંગ કરી હતી. કુલદીપ યાદવને 2 અને જયદવે ઉનડકટને 1 વિકેટ મળી હતી. 

આ પહેલા ભારત તરફથી ઇશાન કિશને 77, શુભમન ગિલે 8પ, સંજુ સેમસને 51, ઇનચાર્જ કેપ્ટન હાર્દિક પંડયાએ 52 દડામાં 4 ચોક્કા-5 છક્કાથી અણનમ 70 અને સૂર્યકુમાર યાદવ 35 રન કર્યા હતા. આથી ભારતે 351 રનનો સંગીન સ્કોર નોંધાવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ