અૉસિ. સામે હિસાબ બરાબર કરવાની ટીમ ઇન્ડિયાને તક
નવી દિલ્હી, તા.20 : વર્લ્ડ કપની ઠીક પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે તા. 22 સપ્ટેમ્બરથી ત્રણ વન ડે મેચની ટક્કર થવાની છે. 2019ના વર્લ્ડ કપ બાદ આ બન્ને ટીમની ત્રીજી દ્વિપક્ષી વન ડે શ્રેણીમાં આમનો-સામનો થયો છે. જેમાં ભારતને એક શ્રેણીમાં અને ઓસ્ટ્રેલિયાને બે શ્રેણીમાં વિજય પ્રાપ્ત થયો હતો. હવે 2019ના વિશ્વ કપ બાદ ભારતની ચોથીવાર ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણી ટક્કર થશે અને ટીમ ઇન્ડિયાનો ઇરાદો હિસાબ બરાબર કરવાનો હશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 14 દ્વિપક્ષી વન ડે શ્રેણી રમાય છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 8 અને ભારતે 6 સિરીઝ જીતી છે. ભારતની ધરતી પર બન્ને દેશ વચ્ચે 11 વન ડે શ્રેણી રમાઈ ચૂકી છે. તેમાં પણ ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે. તેણે 6 અને ભારતે પ વન ડે શ્રેણી જીતી છે.
હવે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે તા. 22મીએ મોહાલી ખાતે પહેલો વન ડે મેચ રમાશે. આ પછી 24મીએ ઇન્દોરમાં બીજો મેચ રમાશે જ્યારે રાજકોટ ખાતે 27મીએ ત્રીજો અને આખરી વન ડે મેચ રમાશે.