આજે શ્રીલંકા વિરુદ્ધ ગોલ્ડ મેડલ મુકાબલો
હાંગઝોઉ, તા.24 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સના ફાઇનલમાં પહોંચી ગઈ છે. સોમવારે ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારતની ટક્કર શ્રીલંકા સામે થશે. મહિલા ક્રિકેટમાં ભારત માટે રજત ચંદ્રક નિશ્ચિત થઈ ગયો છે.
આજે રમાયેલા પહેલા સેમિ ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો બાંગલાદેશ વિરુદ્ધ 8 વિકેટે શાનદાર વિજય થયો હતો. ટોસ જીતીને પહેલો દાવ લેનાર બાંગલાદેશની ટીમ ફકત 51 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 8.2 ઓવરમાં વિજય લક્ષ્ય અંકે કરી લીધું હતું.
ભારત તરફથી ઝડપી બોલર પૂજા વત્રાકરે ઘાતક બોલિંગ કરીને 17 રનમાં 4 વિકેટ ઝડપી હતી. આ પછી બાવન રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે સ્મૃતિ મંધાના (7) અને શેફાલી વર્મા (20)ની વિકેટ ગુમાવી હતી. જેમિમા રોડ્રિગ્સ ઝડપી 20 રન કરી નોટઆઉટ રહી હતી.
જયારે બીજા સેમિ ફાઇનલમાં શ્રીલંકાની મહિલા ટીમ સામે પાકિસ્તાનના 9 વિકેટે 75 રન થયા હતા. શ્રીલંકાએ 16.3 ઓવરમાં 4 વિકેટે 77 રને જીત મેળવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી.