• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ભારતે બીજી વન ડેમાં અૉસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું : ત્રણ મૅચની સિરીઝ 2-0થી જીતી

ઈન્દોર, તા. 24 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં રમાયેલા શ્રેણીના બીજા મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવીને શ્રેણી કબજે કરી લીધી છે. પહેલા મેચમાં ભારતને પાંચ વિકેટે જીત મળી હતી. ભારતે મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા સામે શુભમન ગિલ અને શ્રેયસ અય્યરની સદી ઉપરાંત સુર્યકુમાર યાદવના તોફાની 72 રનની મદદથી જીત માટે 400 રનનું વિશાળ લક્ષ્ય રાખ્યું હતું. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 28.2 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થયું હતું અને ભારતની જીત થઈ હતી. હવે શ્રેણીનો અંતિમ મેચ 27મીએ રાજકોટમાં રમાશે. 

ભારતે ખડકેલા 399 રન સામે ઓસ્ટ્રેલિયાએ બીજી ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં પ્રસિદ્ધા કૃષ્ણાએ એક પછી એક બે વિકેટ લીધી હતી. બાદમાં વરસાદના કારણે મેચ 33 ઓવરનો કરવામાં આવ્યો હતો અને ટાર્ગેટ 317 રન કરવામાં આવ્યો હતો.  જો કે ઓસ્ટ્રેલિયાના કોઈ બેટ્સમેન મેદાનમાં ટકી શક્યા નહોતા. અંતિમ ઓવરોમાં સીન એબોટે તોફાની ઈનિંગ રમી હતી અને 36 બોલમાં 54 રન કર્યા હતા. જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયાને જીત અપાવી શક્યો નહોતો.