• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

નં. 1 ઈગા અૉસ્ટ્રેલિયન ઓપનમાંથી આઉટ : રિબાકિના કવાર્ટરમાં

કોકો ગોફ પણ હારી: સિતસિપાસે પાંચ સેટની લડત બાદ અંતિમ આઠમાં જગ્યા બનાવી

મેલબોર્ન, તા.22 : વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા વિભાગમાં આજે બે મોટા અપસેટ થયા છે. મહિલા ક્રમાંકની નંબર વન પોલેન્ડની ખેલાડી અને ત્રણ વખતની ગ્રાંડસ્લેમ ટાઇટલ વિજેતા ઇગા સ્વિયાતેક અને અમેરિકી સનસની કોકો ગોફ ચોથા રાઉન્ડમાં હારીને બહાર થઇ છે. ટોપ સિડ ઇગા સ્વિયાતેક સામે કઝાકિસ્તાનની એલિના રિબાકિનાનો 6-4 અને 6-4થી શાનદાર વિજય થયો છે જ્યારે અમેરિકી ખેલાડી કોકો ગોફને ચોથા રાઉન્ડમાં લાતવિયાની ખેલાડી જેલેના ઓસ્ટાપેંકોએ 7-5 અને 6-3થી જીત મેળવી છે. જયાં તેની ટક્કર રિબાકિના વિરુદ્ધ થશે. મહિલા વિભાગના ચોથા રાઉન્ડના અન્ય એક મેચમાં ત્રીજા ક્રમની અમેરિકી ખેલાડી જેસિકા પેગુલાનો 20મા ક્રમની ઝેક ગણરાજ્યની ખેલાડી બારબરા ક્રેજિકોવા વિરુદ્ધ 7-5 અને 6-2થી વિજય થયો હતો અને અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી.

પુરુષ વિભાગના આજના ચોથા રાઉન્ડના મેચમાં ખિતાબના દાવેદાર અને ત્રીજા ક્રમના ગ્રીક ખેલાડી સ્ટેફાનોસ સિતસિપાસનો ઇટાલીના 15મા ક્રમના ખેલાડી જેનિક સિનર વિરુદ્ધ પાંચ સેટની રસાકસી બાદ 6-4, 6-4, 3-6, 4-6 અને 6-3થી વિજય થયો હતો. 13મા ક્રમના રૂસી ખેલાડી કારેન ખાસાનોવ સામે 31મા ક્રમના જાપાની ખેલાડી યોશીહિતો નિશિઓકાએ 6-0, 6-0 અને 7-6થી જીત મેળવીને ઉલટફેર કરીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યોં હતો જ્યારે અમેરિકી ખેલાડી સેબિસ્ટયન કોડોએ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચોથા રાઉન્ડના મેચમાં તેણે રસાકસી બાદ પોલેન્ડના ખેલાડી હયુબર્ટ હરકચ વિરુદ્ધ 6-3, 3-6, 2-6, 6-1 અને 6-7થી જીત નોંધાવી હતી.